Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રામકૃષ્ણ આશ્રમ દ્વારા રાહત કાર્ય ફરી ધમધમશે

તણાવ, ભય અનુભવતા ભાઇ-બહેનોને માર્ગદર્શન પણ અપાશે : દર્દીઓને વિનામુલ્યે ઓકિસજન, કોન્સન્ટ્રેટર, ઓકિસીમીટર, રાશનકીટ, ફ્રુટ વિતરણ કરશેઃ પૂ.નિખિલેશ્વરાનંદજી

રાજકોટઃ તા.૭, કુદરતી આફત કે કોઈપણ પ્રકારની મુશ્કેલીના સમયમાં પણ સતત રાષ્ટ્રનિર્માણ અને સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોનાના દર્દીઓ, પરિવારજનો તથા વોરીયર્સ માટેના રાહત કાર્યોનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગયા મહીને આશ્રમના અધ્યક્ષ સહિત આઠ સંન્યાસી અને પાંચ કર્મચારી કોરોનાથી સંક્રમિત હોવાથી તાત્કાલિક ધોરણે આશ્રમ પરિસરમાં થતી બધી જ પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ  હવે રાહત કાર્યો ફરીથી શરુ કરવામાં આવ્યા છે.

 આ અંગે વધુ વિગત આપતા અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી કોરોનાના દર્દીઓ માટે ઓકસીજન સિલિન્ડરની જબરી ખેંચ ઉભી થઇ હતી તેને ધ્યાનમાં લઈને આશ્રમ દ્વારા દર્દીઓ માટે ઑકિસજન કન્સન્ટ્રેટર્સ, ઑકિસજન સિલિન્ડર અને  શરીરમાં ઓકસીજનનું પ્રમાણ માપવા માટે ઑકિસમીટર વગેરેનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે .  ઓકિસજન કોન્સન્ટ્રેટર માટે વીસ હજાર રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ અને ઓકિસમીટર માટે ૫૦૦/- રિફંડેબલ ડિપોઝિટ અને એની સાથે ડોકટર તરફથી મળેલું કોરોના પોઝિટિવ સર્ટીફીકેટ, આધારકાર્ડની નકલ, મોબાઈલ નંબર અને સ્વીકૃતિ-પત્રક આપવાનું રહેશે.

આ સેવાના લાભ માટે મો.૭૭૮૯ ૫૨૦૭૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે. એ સિવાય તણાવ, ભય અને અસ્વસ્થતા વગેરેથી પીડિત લોકોને માહિતી તેમજ સલાહ  માટે બહેનો  માટે  મો. ૯૫૮૬૫ ૩૯૪૦૯, ભાઇઓ માટે  મો. ૯૪૦૯૨ ૫૯૫૭૬ હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે.  આ ઉપરાંત ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને રેશન કીટ, ફૂડ પેકેટ અને ફળોનું વિતરણ જેવા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

 વધુ માહિતી માટેે હેલ્પલાઇન નંબર ૯૪૦૯૨ ૫૯૫૭૬/ ૯૯૭૪૦ ૯૦૭૦૯/ ૯૮૭૯૫ ૬૦૭૫૬/ ૯૮૨૫૯ ૧૮૯૬૬ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:06 pm IST)