Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

વાવડીથી પાળનો રોડ ૫ કરોડના ખર્ચે ૮૦ ફુટનો બનશે

સ્ટેન્ડીંગમાં રસ્તા - કોવિડ હોસ્પિટલમાં તબીબી સહાય - ડી.આઇ. પાઇપ લાઇન સહિત કુલ ૧૨૦ કરોડના કામો મંજુર કરતા ચેરમેન પુષ્કર પટેલ

મ.ન.પા.માં આજે સ્ટેન્ડીંગ કમિટિ મળી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : મ.ન.પા.માં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં વાવડીથી પાળ ગામ તરફ જતા ડી.પી. રોડને ૮૦ ફુટ પહોળો બનાવી રિ-ડેવલપ કરવા ૫ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, પુનિતનગરથી વગર ચોક સુધીનો એટલે કે વાવડીથી પાળ ગામ તરફ જતા રસ્તાને ૮૦ ફુટ પહોળો કરી રિ-ડેવલપ કરવાનો કોન્ટ્રાકટ શ્રીજી દેવકોન (ઇન્ડિયા) પ્રા.લી.ને ૨૭.૨૭ ટકા નીચા ભાવે મંજુર કરી રૂ. ૫ કરોડનો ખર્ચ મંજુર કરેલ.

આ રસ્તાને કારણે પુનિતનગર, મધુવન, શીવ વાટીકા, વૃંદાવન, ગ્રીન સીટી સહિત અનેક સોસાયટીઓને ફાયદો થશે.

આ ઉપરાંત મ.ન.પા.ની મિલ્કતો જેવી કે ઓડીટોરીયમ, કોમ્યુનિટી હોલ, શાક માર્કેટો વગેરેમાં સફાઇ માટે ખાનગી કોન્ટ્રાકટ અપાયેલ.

જેમાં મ.ન.પા.ના એસ્ટેટ વિભા હસ્તકની તમામ મિલ્કતો જેવી કે કોમ્યુનિટી હોલ, ઓડીટોરીયમ, શાકમાર્કેટો, હોકર્સ ઝોન વગેરેમાં હાલમાં મ.ન.પા.ના સફાઇ કામદારો દ્વારા સફાઇ થઇ રહી છે પરંતુ હવેથી આવી તમામ મિલ્કતોમાં પાર્ટટાઇમ સફાઇ કામદારોનો ખાનગી કોન્ટ્રાકટ અપાશે. કેમકે સ્ટાફના અભાવે કેટલાક સ્થળોએ નિયમીત સફાઇ થતી નહી હોવાની ફરિયાદો ઉઠી છે. આથી ખાનગી કોન્ટ્રાકટ મારફત હવે આવી મિલ્કતોમાં સફાઇ કરાવાશે. જેનો કોન્ટ્રાકટ પ્રતિદિન કામદાર દીઠ રોજના રૂ. ૨૧૭ લેખે ચુકવવા કોન્ટ્રાકટની દરખાસ્ત છે. ૪૬ સફાઇ કામદારો દ્વારા ૧૨થી વધુ સ્થળોએ સફાઇ થશે. જેનો વાર્ષિક ખર્ચ અંદાજે ૩૬ લાખનો થશે.

આ ઉપરાંત હાઇકોર્ટે આપેલ નિર્દેશ મુજબ ફાયર બ્રિગેડ માટે જરૂરી સાધનો જેવા કે હોસ પાઇપ, ફાયર એકસ્ટીમ્બ્યુસર, ટૂલ્સ, વાલ્વ વગેરેની ખરીદી માટેનો રેઇટ કોન્ટ્રાકટ પાવર સેલ્સ એજન્સી પાસેથી મૂળ ભાવથી ૫ ટકા ઓછા ભાવે આપવામાં આવેલ.

જ્યારે મ.ન.પા.ની શિક્ષણ સમિતિની સ્કુલોના વિદ્યાર્થીઓ માટે ડેનીમ જીન્શ પેન્ટ અને ટી-શર્ટ તથા બુટ-મોજા બે-બે જોડી આપવા માટે કુલ ૨૮૦૦ જોડી યુનિફોર્મ ખરીદવાનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાકટ આદિનાથ એન્ટરપ્રાઇઝને આપવાનો રેઇટ કોન્ટ્રાકટ દરખાસ્તનો નિર્ણય થયેલ. જેનો વાર્ષિક અંદાજે ૨૫ લાખ જેટલો થશે.

આજની સ્ટેન્ડીંગ કમિટિમાં ૧૨ લાખના ખર્ચે તબીબી સહાય, ૯૯ લાખના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન, ૫.૨૬ કરોડના રસ્તા કામ સહિત કુલ ૧૨ કરોડના વિકાસકામોને સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે મંજુરી આપી હતી.(૨૧.૧૩)

સદર કતલખાના રિનોવેશનની હાલ જરૂર નથી : દરખાસ્ત પરત

રાજકોટ તા. ૭ : શહેરના સદર વિસ્તારમાં આવેલ કતલખાનાનું ૨૨ લાખના ખર્ચે રિનોવેશન કરવાની દરખાસ્તને સ્ટેન્ડીંગ કમિટિએ મ્યુ. કમિશનરને પરત મોકલી દીધી હતી. આ અંગે ચેરમેન પુષ્કર પટેલે જણાવેલ કે, હાલમાં આ કતલખાનાની હાલત સારી છે તેથી રિનોવેશનની જરૂર નથી. આથી આ દરખાસ્ત પરત મોકલી દેવાઇ છે.

(4:07 pm IST)