Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મ્યુકોર માઇક્રોસીસ ફૂગથી ફેલાતો રોગ

કોરોના આવ્યા બાદ આ બિમારી ફેલાય છે, પણ આ નવો રોગ નથી : સારવાર ખર્ચાળ છે અને લાંબી ચાલે છે, પણ આ રોગ અસાધ્ય નથી

મ્યુકોર માઇક્રોસીસ એક ફૂગથી ફેલાતો રોગ છે. આ કોઈ નવી બીમારી નથી. પણ કોરોના આવ્યા પછી આ ફૂગ દ્વારા ફેલાતી બીમારી વધુ ફેલાય છે જેથી આપણા ધ્યાનમાં આવી છે.

આ ફૂગ આપણી જમીન અને પર્યાવરણ માં જોવા મળે છે. જમીન પર પડેલા સડેલા અને કોહવાઈ ગયેલા કાર્બોનિક પદાર્થો માં આ ફૂગ વધુ હોય છે. આ ફૂગ નાં કણો એટલેકે ફંગલ સ્પોર હવામાં ફેલાય છે જે સામાન્ય રોગ પ્રતિકારક શકિત ધરાવતાં લોકોને અસર નથી કરતા. જેમની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય અથવા કોઈ બીમારી અથવા સારવાર દ્વારા રોગ પ્રતિકારક શકિત ઓછી થાય ત્યારે આ ફૂગ એનો ચેપ લગાડી દે છે. ટૂંક માં કહીએ તો આ ફૂગ તકવાદી છે. જેવી રોગ પ્રતિકારક શકિત ઓછી થાય એવો તરત એનો પ્રભાવ દેખાય છે અને આક્રમક રીતે વધે છે. આ ફૂગ દ્વારા લાગેલો ચેપ ગંભીર પ્રકારનો ગણી શકાય.

ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયેલા દર્દીઓ, એચ આઇ વી - એઇડ્ઝ ના દર્દીઓને અથવા કિમો થેરાપી ચાલતી હોય કે જે દર્દીઓ ને સ્ટીરોઈડ્ઝ ચાલતા હોય એવા દર્દીઓને આ ફૂગનો ચેપ લાગવાની શકયતા વધુ રહે છે.

કોરોનાનો ચેપ લાગવાથી ઘણા લોકોને સ્વાદુપિંડ પર અસર થતી જોવા મળી છે જેના લીધે લોહીમાં સુગરનું પ્રમાણ વધી જતું જોવા મળે છે. એ ઉપરાંત ઘણા કોરોનાના દર્દીઓ રોગ પ્રતિકારક શકિત ઘણી વધુ હોય છે જેના લીધે એમને સાઈટોકાઈન સ્ટોર્મ આવે જેનાથી બચવા સ્ટીરોઈડ્ઝ આપવાની ફરજ પડે છે.

આ ઉપરાંત આપણા દેશમાં ડાયાબિટીસ નાં ઘણા દર્દીઓ છે જેમને આ રોગ છે એવી જાણ નથી અથવા છે એવો ખ્યાલ છે તો એની અવગણના કરે છે અથવા ખોટી કે અધૂરી સારવાર કરતા હોય છે. એવા દર્દીઓને કોરોના થાય અને જો સ્ટીરોઈડ્ઝ પણ આપવા પડે તો આ ફંગલ ડીસીઝ થવાની શકયતા વધી જાય છે અને ઘણી વખત જીવલેણ બની શકે છે.

જે દર્દીઓને હાઈપર ગ્લાઇસિમીયા એટલેકે સુગરનું પ્રમાણ વધારે હોય અને એ સમયસર જાણ ન થાય અથવા જાણ હોય પણ આગળ જણાવ્યું તેમ અવગણવામાં આવી હોય, જે દર્દીને ટોસીલીઝુમેબ ના ઈન્જેકશન આપવા પડ્યા હોય અથવા ઘણા લાંબા સમય સુધી ઓકિસજન આપવો પડ્યો હોય એવા કોરોનાના દર્દીઓને આ રોગ થવાની શકયતા વધુ રહે છે.

આ ફૂગથી થતો રોગ, મ્યુકોર માઇક્રોસીસ, નાકના પોલાણથી શરૂ થાય છે અને પેરાનેઝલ સાઈનસમાં (સામાન્ય રીતે આપણે એને સાઈન્સ તરીકે ઓળખીએ છીએ) વિસ્તરે છે. નાક અને સાઈનસનું ભેજવાળું વાતાવરણ ફૂગના વિકાસ અને આક્રમણ માટે એકદમ યોગ્ય હોય છે. ત્યાર બાદ આ રોગ આસપાસ આવતા હાડકા નો નાશ કરી તમામ વિસ્તારમાં જેમકે આંખ, તાળવું અને મગજ સુધી પહોંચી જાય છે.

આ રોગના લક્ષણો જોઈએ તો શરદી, નાકની બાજુમાં ચહેરા પર દુઃખાવો, દાંત ખોટા પડી જવા, ઉપરના દાંત તથા પેઢાંમાં દુઃખાવો, આંખમાં દુઃખાવો, આંખ પર સોજો આવવો, આંખ ન ખૂલવી, આંખ માં અચાનક અંધાપો આવવો, આંખને દરેક બાજુ ફેરવી ન શકવી, નાકમાંથી કાળા કે લીલા કલરનું પ્રવાહી નીકળવું, નાક અને આંખોની આસપાસની ચામડી કાળી પડી જવી વગેરે હોય છે.

મ્યુકોર માઇક્રોસીસ ના શંકાસ્પદ કેસ માં જરૂર પડ્યે એન્ડોસ્કોપ દ્વારા તપાસ હાથ ધરી અને સીટી સ્કેન તથા contrast સાથે MRI કરાવવાની સલાહ આપવામાં આવે છે. અને એ ઉપરાંત જરૂર પડે તો બાયોપ્સી પણ લેવામાં આવે છે. MRI અને સીટી સ્કેન દ્વારા આ ફંગસ એટલે કે ફૂગ કયાં સુધી પહોંચી ગઈ છે એ જાણ થાય છે તથા સર્જરી કેવી રીતે કરવી તે નક્કી થાય છે.

મ્યુકોર માઇક્રોસીસના કેસમાં ઓપરેશન ફરજિયાત છે. ઓપરેશનમાં જેટલી ફંગસ ફેલાયેલી હોય એ દરેક વસ્તુઓને કાઢી નાખવી પડે છે. જો આંખમાં ચેપ લાગ્યો હોય તો આંખ પણ કાઢી નાખવી ફરજીયાત બની જાય છે.

ઓપરેશન બાદ દર્દીને એમ્ફોટટ્રેસિન બી નામનાં ઇંજેકશન લાંબો સમય સુધી આપવા પડે છે. આ ઇંજેકશન અત્યંત જરૂરી છે પણ ઘણી વખત એની આડઅસર કિડની પર થતી હોય છે અને પડકાર યુકત છે. કિડનીનાં દર્દીઓ ને આ સારવાર આપવી ખૂબ મુશ્કેલ બને છે.

આ રોગમાં થતી સારવાર ઘણી ખર્ચાળ છે. ઓપરેશન ઉપરાંત આપતા ઈન્જેકશન ખૂબ મોંઘા આવે છે. અને જો આ સારવાર દરમિયાન કિડની સાથ ન આપે તો એ બગાડવાને લીધે વધુ એક મુશ્કેલી અને બચાવવાનો ખર્ચ પણ આવી પડે છે. તદ્ઉપરાંત, હાલનાં સંજોગોમાં કોરોનાના દર્દીઓ માટે લગભગ બધી જ હોસ્પિટલમાં બેડ ભરેલા રહેતા હોવાથી મ્યુકોર માઇક્રોસીસના દર્દીઓ માટે બેડ મળવા અશકય બની ગયા છે. અને એ મથામણને લઈને ઘણી વખત સારવાર આપવામાં મોડું થઈ જતું હોય છે.

કોરોનાના સંક્રમણથી થતા સાઈટોકાઈન સ્ટોર્મ ને ખાળવા માટે આપતા સ્ટીરોઈડ્ઝનો આડેધડ ઉપયોગ આ રોગ માટે કાંઈક અંશે જવાબદાર છે. એટલે જો કોરોના થાય તો એના સ્પેશિયાલિસ્ટ ડોકટર પાસે જઇને જ દવા કરાવવી જોઈએ.

હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મ્યુકોર માઇક્રોસીસના કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. આવામાં આ રોગ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. સદનસીબે આ ચેપ કોરોનાની જેમ એકબીજામાં ફેલાતો નથી અને એનાથી બચવા માટે પણ માસ્ક પહેરવાથી ફાયદો થાય છે પણ માસ્ક ચોખ્ખો રાખવો અને વારંવાર બદલવો. એ ઉપરાંત નિયમિત પણે બ્લડ સુગર તપાસતા રહેવું અને જો એ વધુ આવે તો તરત ડોકટરનું ધ્યાન દોરી અને એની સારવાર લેવી તથા જરૂરી હોય તો ઇન્સ્યુલિનના ઇંજેકશન લઈ ને પણ સુગરને કંટ્રોલમાં રાખવી. કોરોના થયો હોય તો નાક બાજી જવું, નાકમાંથી પાણી નીકળવું કે શરદી થવા જેવા ચિહનોને અવગણવા નહીં.

  • કયા પ્રકારના રોગમાં આ ફૂગનો ચેપ લાગી શકે?

ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયેલા દર્દીઓ, એચ આઇ વી - એઇડ્ઝ ના દર્દીઓને અથવા કિમો થેરાપી ચાલતી હોય કે જે દર્દીઓને સ્ટીરોઈડ્ઝ ચાલતા હોય એવા દર્દીઓને આ ફૂગનો ચેપ લાગવાની શકયતા વધુ રહે છે.

  • રોગના લક્ષણો

આ રોગના લક્ષણો જોઈએ તો શરદી, નાકની બાજુમાં ચહેરા પર દુઃખાવો, દાંત ખોટા પડી જવા, ઉપરના દાંત તથા પેઢાંમાં દુઃખાવો, આંખમાં દુઃખાવો, આંખ પર સોજો આવવો, આંખ ન ખૂલવી, આંખમાં અચાનક અંધાપો આવવો, આંખને દરેક બાજુ ફેરવી ન શકવી, નાકમાંથી કાળા કે લીલા કલરનું પ્રવાહી નીકળવું, નાક અને આંખોની આસપાસની ચામડી કાળી પડી જવી વગેરે હોય છે.

ડો. વિમલ હેમાણી

કાન, નાક અને ગળાના સર્જન

હેમાણી હોસ્પિટલ

ભકિતનગર સોસાયટી

કાંતા  સ્ત્રી વિકાસ ગૃહ પાસે

રાજકોટ. ફોન : ૯૪૦૮૧૮૭૬૮૭

(4:12 pm IST)
  • એવા એક પણ એકાઉન્ટ whatsapp ડિલીટ કરશે નહીં ૧૫મી મે સુધીમાં whatsapp ની પ્રાઇવસી પોલિસી અપડેટનો સ્વીકાર નહીં કરનાર એક પણ એકાઉન્ટ ડીલીટ કરવામાં નહીં આવે તેવી વોટ્સએપે જાહેરાત કરી છે. access_time 8:05 pm IST

  • આંધ્રમાં રાત સુધીમાં કોરોનાએ ૭૩ નવા જીવનદીપ બુઝાવ્યા : કોરોના અટકવાનું નામ લેતો નથી. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં આજે મોડી સાંજ સુધીમાં નવા ૧૭૧૮૮ કેસ નોંધાયા, જ્યારે ૧૨૭૪૯ સાજા થયા છે અને ૭૩ મૃત્યુ નોંધાયા છે. access_time 8:11 pm IST

  • કર્ણાટક સરકારે 10 મેથી 24 મે દરમિયાન રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:45 pm IST