Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પાઠયપુસ્તક અને શૈક્ષણિક સાહિત્યને આવશ્યક શ્રેણીમાં આવરી દુકાનો ખુલી રાખવા મંજુરી આપો

સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસો. દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ, તા. ૭ :. વિદ્યાર્થીઓના ઓનલાઈન અભ્યાસ માટેના પાઠયપુસ્તક તથા શૈક્ષણિક સાહિત્ય આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં આવરી લેવા સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે.

રજૂઆતમાં જણાવેલ કે તા. ૪ મે ૨૦૨૧ની ગવર્મેન્ટની નવી ગાઈડલાઈન મુજબ આગામી તા. ૧૨ મે ૨૦૨૧ સુધી હજુ પુસ્તકોના વેપારી માટે લોકડાઉન જાહેર કરાયેલુ છે અને આગામી ૧૨ તારીખે પણ આ લોકડાઉન ખુલશે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. હાલમાં ગુજરાતની મોટાભાગની સ્કૂલોમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨નું ઓનલાઈન શિક્ષણ ચાલુ થઈ ગયેલ છે. દરેક વિદ્યાર્થીઓને પુસ્તકોની ખાસ જરૂર પડતી હોય છે, પરંતુ આ હાલના લોકડાઉનના સંજોગોમાં દુકાન તદ્દન બંધ હોય વિદ્યાર્થીઓને પુસ્તકો મળી શકતા નથી.

હાલના મહામારીના સમયમાં દરેક દર્દીના આધારકાર્ડ તેમજ બેંક પાસબુકની ઝેરોક્ષની જરૂર પડે છે, પરંતુ સ્ટેશનરીની દુકાન બંધ હોય બધાને ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારે પુસ્તકો અને શૈક્ષણિક સાહિત્ય પણ આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં લેવું જોઈએ.

પુસ્તકોની આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં લઈ પુસ્તક વિક્રેતાને પુસ્તકો વેચાણની મંજુરી આપવામાં આવે. ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર એસઓપીનું પાલન કરવામાં આવશે. અગર શકય હોય અને જો હોમ ડિલિવરીની પણ પરમિશન મળી જાય તો પણ વિદ્યાર્થીઓને ઘણી રાહત મળી શકે તેમ હોવાનું રજૂઆતના અંતમાં જણાવાયુ છે.

(4:14 pm IST)