Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સોલીડ વેસ્‍ટમાં સ્‍વીપીંગ મશીનની ખરીદીમાં ‘‘સોલીડ'' ગોટાળાના કચરાનો ઢગલો

બિન અનુભવી કંપનીના પાંચ વર્ષ મેઇન્‍ટેનન્‍સ કરવા સામે કોર્પોરેશન લોબીમાં અનેક સવાલોઃ ચોકકસ કંપનીને કામ આપવા ટેન્‍ડરમાં ફેરફાર થયાની શંકાઃ અનેક તર્ક વિર્તક

રાજકોટ તા. ૬: મનપા તંત્રમાં એક વિવાદાસ્‍પદ ટેન્‍ડરને બહાલ કરવાની ગંધ આવી રહી છે. સોલીડ વેસ્‍ટ શાખા માટે સ્‍વીપીંગ મશીન ખરીદ કરવા ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યું હતું, જેની પ્રી-બીડ મીટીંગ પણ થઇ ગઇ છે અને હવે એક ખાસ પેઢીને આ કોન્‍ટ્રાકટ આપવા પ્રી-બીડ બાદ ટેન્‍ડરની શરતોમાં ફેરફાર કરવા તંત્રના સત્તાધીશો પગલું ભરવા માંગતા હોવાનું મનપાના આધારભુત સુત્રોએ જણાવ્‍યું છે.
મનપાની લોબીમાં આ ટેન્‍ડર હોટ ટોપીક બન્‍યો છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ બીન અનુભવી કંપનીને ટેન્‍ડર આપવા  પ્રિ-બીડ મીટીંગ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્‍યા બાદ ટેન્‍ડરોમાં ફેરફાર કરવા તજવીજ હાથ ધરાઇ છે. મનપાની શરતો મુજબ કંપની પોતે મશીનનું મેન્‍યુફેકચરીંગ કરતી હોય તે ફરજીયાત છે. જયારે ઉપરોકત કંપની કોઇપણ આ પ્રકારનું મશીન બનાવતી જ નથી !!!
સોલીડ વેસ્‍ટ શાખા માટે ૯ વેકયુમ સ્‍વીપર મશીનની ખરીદી સબબ મનપા દ્વારા તા. રપ એપ્રિલના રોજ ઇ-ટેન્‍ડરના ડોકયુમેન્‍ટ ડાઉનલોડ કરવાની તારીખને ૬ મે ના રોજ સાંજ ૪ વાગ્‍યા સુધીની કરવામાં આવી હતી. આવી જ રીતે પ્રિ-બીડ મીટીંગમાં પણ ૩ દિવસનો ફેરફાર કરાયેલ. ઉપરાંત ટેન્‍ડર સબમીશનની તારીખ પણ રપ એપ્રિલના બદલે ૬ મેની કરવામાં આવી છે. જયારે અર્નેસ્‍ટમની ટેન્‍ડર ફી અને બીજા ડોકયુમેન્‍ટ મોકલવા માટે પણ ૧ર-૧૩ દિવસ મુદત લંબાવી દેવામાં આવી છે. ઉપરાંત ટેન્‍ડરના ડોકયુમેન્‍ટનું જે વેરીફીકેશન ર૮ એપ્રિલ થવાનું હતું તે રીવાઇઝડ કરી ૧૧ એપ્રિલ ઉપર કરવામાં આવ્‍યું છે. આ બધી સુવિધાઓ શા માટે કરવામાં આવી છે, તે પણ લોબીમાં ચર્ચા મુજબ શંકાસ્‍પદ જણાય છે.
ઉપરાંત ટેન્‍ડર ભરનાર કંપની મશીનોની સપ્‍લાય બાદ પાંચ વર્ષ તેનું મેઇટેનન્‍સ કરી શકશે કે કેમ તે પણ ચર્ચાનો મુદ્‌ો બન્‍યો છે. અત્‍યાર સુધીમાં આ કંપની દ્વારા રાજકોટમાં તો શું દેશભરની એક પણ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં મશીન સપ્‍લાયનો અનુભવ કે કોન્‍ટ્રાકટ ધરાવતી નથી તેવું પણ આધારભુત સુત્રોએ જણાવ્‍યું હતું.
મનપામાં ભુતકાળમાં ઘણીવાર એક જ પાર્ટી કે પેઢીને ખટવવા માટે મરણીયા પ્રયાસો થયાનું જગજાહેર છે. તેવામાં આવી બીન અનુભવી કંપનીને લોકોના સ્‍વાસ્‍થ્‍યને સ્‍પર્શતા ટેન્‍ડરને આપવાની મુરાદ મનપા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, તે જોતા અમુક ચોકકસ લોકોનું હીત સમાયેલ હોવાની પુરેપુરી શકયતા રહેલી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

 

(3:14 pm IST)