Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મનપાના ૩ BHK ફલેટમાં નબળો પ્રતિસાદઃ ૩૬૫૭ ફોર્મ ઉપડયા : આવ્‍યા માત્ર ૨૧૩

૭૬૮ આવાસો માટે ૧૬મે સુધી ફોર્મ વિતરણ અને ભરીને પરત કરી શકાશે

રાજકોટ,તા. ૬ : મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩ BHKના ૭૬૯ ફલેટોની યોજનાના ફોર્મ વિતરણ તા. ૨૧ એપ્રિલથી શરૂ કરાયેલ. જે અન્‍વયે ગઇ કાલે તા. ૫ સુધીમાં ૩૬૫૭ ફોર્મ લોકો લઇ ગયેલ પણ માત્ર ૨૧૩ ફોર્મ જ ભરાઇને પરત આવતા યોજનાને નબળો પ્રતિસાદ સાંપડયો છે.

તંત્ર દ્વારા પણ નબળા પ્રતિસાદના કારણે મુંઝવણ વધી છે. ફોર્મ ભરીને પરત આપવાની અંતિમ તા. ૧૬મે છે. જે પણ લંબાઇ તેવી પુરેપુરી શકયતા હાલ જોવામાં આવી રહી છે. અગાઉ પણ આવાસ યોજનામાં પ્રતિસાદ ન મળતા ફલેટના ભાવ ઘટાડી ફોર્મ વિતરણ કરવામાં આવ્‍યાનો પણ તાજેતરમાં દાખલો છે.

મહાનગરપાલિકાની સત્તાવાર યાદી મુજબ મનપા  દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્‍વયે MIG પ્રકારના ૩ BHKના ૭૬૯ તથા ભવિષ્‍યમાં ખાલી થનાર આવાસો માટે તા.૨૧/૦૪/૨૦૨૨ થી તા.૧૬/૦૫/૨૦૨૨ સુધી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલીકાના તમામ ૬ સિવિક સેન્‍ટર તેમજ ICICI બેંકની ૬ બ્રાંચ ખાતેથી ફોર્મનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જે અન્‍વયે તા.૫ સુધીમાં ૩૬૫૭ ફોર્મ્‍સનું વિતરણ થયેલ છે. ઉપરાંત તા.૫ સુધીમાં ૨૧૩ ફોર્મ્‍સ ભરાઈને પરત આવી ગયા છે. જે પૈકી ૨૪ ફોર્મ્‍સ ઓનલાઈન જયારે ૧૮૯ ફોર્મ્‍સ ઓફલાઈન ભરાયેલ છે.

મહાનગરપાલિકા દ્વારા ઓફલાઈન ફોર્મ વિતરણ ઉપરાંત ઓનલાઈન ફોર્મ્‍સ ભરવાની વ્‍યવસ્‍થા પણ કરેલ છે. ફોર્મ્‍સનું વિતરણ તથા ભરાયેલ ફોર્મ્‍સ પરત કરવાની આખરી તા.૧૬ સુધીની છે. જે ધ્‍યાને લઈ નિયત મુદતમાં ફોર્મ્‍સ મેળવી લેવા તથા ફોર્મ ભરીને પરત કરવા કોર્પોરેશનની યાદીમાં જણાવાયુ છે.

(3:27 pm IST)