Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કોર્પોરેશનના વોર્ડ ઓફીસરોને ફાળવેલ વાહનો પરત લ્‍યોઃ અન્‍ય અધિકારીઓને વાહન અથવા પેટ્રોલ એલાઉન્‍સ જ આપો

કોરોના કાળ પૂરો થયો છે : શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા તથા દંડક સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા મ્‍યુ. કમીશ્નરને પત્ર પાઠવી રજૂઆત

 

રાજકોટ તા. ૭ :.. કોર્પોરેશનના શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા તથા દંડક સુરેન્‍દ્રસિંહ વાળાએ મ્‍યુ. કમિશનરને પત્ર પાઠવી વોર્ડ ઓફીસર્સને ફાળવેલ વાહનો પરત લેવા તેમજ અન્‍ય અધિકારીઓને આઉટ ડોર કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકાનું વાહન તથા પેટ્રોલ એલાઉન્‍સ પૈકી એક સુવિધા બંધ કરવા માંગણી કરી હતી.

પત્રમાં વધુમાં જણાવેલ કે, કોરોના વૈશ્વિક મહામારી દરમ્‍યાન કોરોના લગત ક્ષેત્રીય કામગીરી સત્‍વરે થઇ શકે તે માટે તમામ વોર્ડના વોર્ડ ઓફીસરોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહન ફાળવવામાં આવેલ.

હાલ કોરોના વૈશ્વિક મહામારીની સ્‍થિતિ થાળે પડતી જાય છે. આ સંજોગોમાં વોર્ડ ઓફીસરોને ફાળવવામાં આવેલ વાહનોથી રાજકોટ મહાનગરપાલિકાને બિનજરૂરી ખર્ચ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાના દરેક વિભાગની કામગીરીમાં ગતિશીલતા આવે તેમજ રાજકોટ મહાનગરપાલિકાને બિનજરૂરી આર્થિક નુકસાન થતું અટકે તે માટે હાલ તમામ વોર્ડ ઓફીસર્સને ફાળવવામાં આવેલ વાહનો પરત લેવા તેમજ વોર્ડ દીઠ તમામ વિભાગની જરૂરીયાત મુજબ આ વાહન ફાળવવા બાબતે સત્‍વરે કાર્યવાહી કરશો.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના જુદી જુદી શાખાના અધિકારીઓ ક્ષેત્રીય  કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકાના વાહનોનું ઉપયોગ કરે છે. સાથો સાથ નિયત પેટ્રોલ એલાઉન્‍સ પણ મેળવે છે. તે અધિકારીઓ ક્ષેત્રીય કામગીરી માટે ઉપરોકત બે પૈકી કોઇ પણ એક સુવિધાની જ ઉપયોગ કરે તો રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક નુકસાન થતું અટકે તેમ છે. જે ધ્‍યાને લઇ આ બાબતે સત્‍વરે જરૂરી પરિપત્ર કરશો.

(3:27 pm IST)