Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

યાગરાજનગરમાં આકાશવાણીના આસી. ઇજનેર વૈભવભાઇ પરમારના ઘરમાં ૩ લાખની ચોરી

પરિવાર સાથે નવા થોરાળામાં રહેતા દાદીને મળવા ગયા પાછળથી તસ્‍કરો કળા કરી ગયા

રાજકોટ તા. ૭ : યુનિવર્સિટી રોડ પર અયોધ્‍યા ચોક નજીક યાગરાજનગરમાં રહેતા આકાશવાણીના આસીસ્‍ટન્‍ટ એન્‍જીનિયરના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ અને દાગીના મળી રૂા. ૩,૦૮,૭૦૦નો મુદ્દામાલ ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ અયોધ્‍યા ચોક પાસે યાગરાજનગર-૨ વ્રજ બંગ્‍લોઝમાં રહેતા અને આકાશવાણીમાં આસીસ્‍ટન્‍ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા વૈભવભાઇ હિરાલાલભાઇ પરમાર (ઉ.વ.૩૪)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાના માતા-પિતા અમદાવાદ રહે છે અને દાદીમા જાનાબેન નવા થોરાળામાં રહે છે. બે દિવસ પહેલા પોતે પરિવારજનો સાથે ઘરને તાળુ મારી નવા થોરાળામાં રહેતા દાદી માને મળવા માટે ગયા હતા. દાદીમા એકલા રહેતા હોઇ તેથી ત્‍યાં રોકાઇ ગયા હતા. બાદ ગઇકાલે પરિવાર સાથે ઘરે પરત આવ્‍યા ત્‍યારે ઘરના મુખ્‍ય દરવાજાની જાળીનો નકુચો તૂટેલો જોવા મળ્‍યો હતો અને મુખ્‍ય દરવાજાનો લોક પણ તૂટેલો હતો. બાદ પોતે તુરંત જ ઘરની અંદર જઇને તપાસ કરતા બેડરૂમમાં કબાટ ખુલ્લો અને તેમાં સામાન વેરવિખેર હતો. બાદ પોતે ઉપરના રૂમમાં જઇને જોતા કબાટ ખુલ્લો હતો અને તેમાં કપડા વેરવિખેર જોતા તપાસ કરતા પર્સમાં રાખેલ સોનાના બે ચેઇન, ત્રણ પેન્‍ડલ, બે લક્કી, ચાર વીંટી, નાકમાં પહેરવાની ચૂંક, બે જોડી બુટી, ચાંદીના ગ્‍લાસ અને રૂા. ૫ હજાર રોકડા જોવામાં ન આવતા કોઇ અજાણ્‍યા શખ્‍સો મકાનના દરવાજાનું તાળુ તોડી રોકડ તથા ઘરેણા મળી રૂા. ૩,૦૮,૭૦૦ની મત્તા ચોરી ગયાની ખબર પડતા પોલીસને જાણ કરી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ.આર.ઝાલા સહિતે સ્‍થળ પર પહોંચી વૈભવભાઇ પરમારની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. બી.જી.ડાંગરે તપાસ હાથ ધરી છે.

 

(3:30 pm IST)