Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મ.ન.પા.ની આવાસ યોજનાના ખાલી ફલેટ ભાડે આપવાને બદલે જરૂરીયાતમંદોને ફાળવો

ભાડે આપવાની યોજનામાં કોન્ટ્રાકટરને ખટાવવાને બદલે પ્રજાહીતનો નિર્ણય લ્યોઃ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીની મ્યુ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા. ૭ :. મ.ન.પા.ની આવાસ યોજનાના ફલેટ ભાડે આપવાની યોજનાને બદલે ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંદ લોકોને આ ફલેટ ફાળવવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયુ છે કે, રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ પ્રકારની યોજનાઓ અંતર્ગત આવાસ બનાવવામાં આવ્યા છે.

ત્યારે તમામ લાભાર્થીઓને આવાસનો લાભ આપવામાં રાજકોટ મહાનગરપાલિકા નિષ્ફળ રહી છે. જેનો લાભ બીજી અન્ય ખાનગી કંપનીઓ ઉઠાવી રહી છે અને રાજ્ય સરકાર પણ મનફાવે તેવા પરિપત્રો બહાર પાડી કામગીરી કરાવી રહી છે જેમ કે હાલમાં જ સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ખાલી પડેલા આવાસયોજનાના કવાટરો ભાડે આપી દેવા માટે દરખાસ્ત કરેલ છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનો હક્કનો આશરો છીનવવા પ્રયાસ કરેલ છે જેથી આવાસ યોજનામાં લાભાર્થીઓને આવાસ સત્વરે ફાળવી આપવા પ્રજાના હિતમાં અમો ભલામણ કરીએ છીએ તેમજ જે લોકોના વેઈટીંગમાં નામ છે અને જે લોકો પાસે રહેવા માટે મકાન નથી તે લોકોને આવાસ યોજનાનો લાભ મળે અને જે લોકોની ડીપોઝીટ જમા છે તેવા લોકોને આવા ખાલી પડેલા આવાસ યોજનાના કવાટર ફાળવવા માટે રજૂઆત કરીએ છીએ.

આ આવાસના ખાલી કવાટરો ગરીબ અને મધ્યમવર્ગીય લાભાર્થીઓને સત્વરે મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા વિનંતી.

(3:04 pm IST)