Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સોશિયલ મિડીયામાં છરીઓ સાથે ફોટા અપલોડ કરનારા સાહિલ, હૈદર અને અયુબની ધરપકડ

ક્રાઇમ બ્રાંચે ઢેબર કોલોની, રૈયાધારના ત્રણ શખ્‍સોને દબોચી કાયદાનું ભાન કરાવ્‍યું : સુલેહશાંતિનો ભંગ થાય અને કોમી વૈમનશ્‍ય ફેલાય તેવા ફોટો-વિડીયો ન મુકવા અનુરોધઃ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની ટીમો સતત રાખી રહી છે નજર

રાજકોટ તા. ૭: શહેરમાં સુલેહ શાંતિ જળવાઇ રહે અને અનઇચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ અવાર-નવાર હથીયારબંધી માટે ડ્રાઇવ યોજે છે. વધુ એક વખત આવી સ્‍પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં સોશિયલ મિડીયામાં છરીઓ સાથેના ફોટા મુકી લોકોમાં ભયનો માહોલ ઉભો થાય તેવું કૃત્‍ય કરવા બદલ રૈયાધાર અને ઢેબર કોલોનીના ત્રણ શખ્‍સોને ક્રાઇમ બ્રાંચે પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

શહેર ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ કે. ડી. પટેલ અને આર. જે. કામળીયા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે સોશિયલ મિડીયા પર છરી જેવા તિક્ષ્ણ હથીયાર સાથે ફોટા અપલોડ કરનારા શખ્‍સો વિશે માહિતી મળતાં તેની ઓળખ કરી સાહિલ રહિમભાઇ જામ (ઉ.૧૯-રહે. ઢેબર કોલોની ક્‍વાર્ટર નં. ૬૩), અયુબ મુઝાફરભાઇ સૈયદ (ઉ.૧૮-રહે. ઢેબર કોલોની ગોપાલનગર-૫) તથા હૈદર હનીફભાઇ ચોૈહાણ (ઉ.૨૦-રહે. રૈયાધાર, રાણીમા રૂડીમા ચોક, બંસી પાન પાસે)ને પકડી લઇ ત્રણ છરીઓ કબ્‍જે કરી હતી.

આ ત્રણેયએ લોકોમાં ભય ઉભો થાય એ રીતે પોતાના છરીઓ સાથેના ફોટા અપલોડ કર્યા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળાની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

આગામી તહેવારના દિવસોમાં શહેરમાં શાંતિનો માહોલ જળવાઇ રહે અને કોમી વૈમનશ્‍ય ન ફેલાય તે માટે આવા કોઇપણ પ્રકારના ફોટા કે વિડીયો અપલોડ નહિ કરવા પોલીસે અનુરોધ કર્યો છે. આવી પ્રવૃતિ કરનારા લોકો પર શહેર ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમ પોલીસની ટીમો સતત આવી પ્રવૃતિ પર નજર રાખી રહી છે.

(3:26 pm IST)