Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

નશાની ટેવ ધરાવતાં ત્રણ શખ્‍સોએરિક્ષામાં ૪ મુસાફરોને નિશાન બનાવ્‍યા

ઉલ્‍ટી ઉબકાનો ઢોંગ કરી પૈસા ચોરી લેતા'તાઃઅજય, સાગર અને ઇલ્‍યાસને ક્રાઇમ બ્રાંચે પકડયા

રાજકોટ તા. ૭: શહેરના અલગ અલગ વિસ્‍તારમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી ખીસ્‍સામાંથી રોકડ, પર્સ તથા મોબાઇલ સેરવીલેતા ત્રણ શખ્‍સોને ક્રાઇમ બ્રાંચે આજીડેમ ચોકડી પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોડીનારના ચૌહાણની ખાણ ગામમાં રહેતા ભીખાભાઇ મોહનભાઇ ગોઢણીયા (ઉ.વ. ૬૩) રાજકોટ આવી એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસેથી રીક્ષામાં બેસી તેના સાઢુભાઇના ઘરે જતા હતા ત્‍યારે રીક્ષામાં બેઠેલા મુસાફરે ઉલ્‍ટી કરવાના બહાને નજર ચૂકવી વૃધ્‍ધના ખીસ્‍સામાંથી રૂા. ર૦ હજારની રોકડ ચોરી કરી પેસેન્‍જરને ઉલ્‍ટી થાય છે તેમ કહી ઉમીયા ચોક પાસે ઉતારી ત્રણેય શખ્‍સો નાસી ગયાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવને પગલે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે. વી. ધોળા તથા વાય. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર. જે. કામળીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે પેસેન્‍જરોના ખીસ્‍સા હળવા કરતી ટોળકી આજીડેમ ચોકડી પાસે હોવાની હેડ કોન્‍સ. હરદેવસિંહ રાઠોડ, રોહીતભાઇ કછોટ તથા રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા આજીડેમ ચોકડી પાસેથી ભાવનગર રોડ શીવાજીનગર શેરી નં. ર ના અજય રાજુભાઇ મકવાણા (ઉ.વ. ર૬), મનહરપરા શેરી નં. ૧ ના સાગર ધીરૂભાઇ રાઠોડ (ઉ.વ. ર૮) ત્‍થા દૂધસાગર રોડ નવયુગપરા શેરી નં. ૧ના ઇલીયાસ ગુલામહુશેનભાઇ પીઠડીયા (ઉ.વ. ૩ર) ને પકડી લઇ રૂા. રર૦૦૦ની રોકડ તથા જી.જે.૩બીયુ-૮૩૯૯ નંબરની રીક્ષા મળી કુલ રૂા. ૬૭૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પૂછપરછમાં ત્રણેય શખ્‍સોએ એક મહિનામાં ચાર મુસાફરોને નિશાન બનાવ્‍યાનું ખુલ્‍યું હતું. ક્રાઇમ બ્રાંચે આ ત્રણેયને માલવીયાનગર પોલીસને સોંપ્‍યા હતા. આ કામગીરી પી.એસ.આઇ. આર. જે. કામળીયા, હેડ કોન્‍સ. ભરતસિંહ પરમાર, હરદેવસિંહ રાઠોડ, કોન્‍સ. રોહીતભાઇ કછોટ, રણજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(3:35 pm IST)