Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગાળો બોલવાની ના પાડતા પારસને છરી ઝીંકાઇઃ બોટલ અને પથ્‍થરના ઘા કરાયા

ગુરૂજીનગર કવાર્ટરના ગેઇટ પાસે મોડી રાત્રે બનાવઃ સોહીલ, યુવરાજ ચૌહાણ, સોહિલ બુકેસ, એજાજ ઉર્ફે એજુ સામે એટ્રોસીટી હેઠળ કાર્યવાહી

રાજકોટ, તા.૭: સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર વાડીના કવાર્ટરના ગેઇટ પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને ચાર શખ્‍સોએ ઝઘડો કરી જ્ઞાતી પ્રત્‍યે હડધુત કરી છરી ઝીંકી બોટલ અને પથ્‍થરના ઘા કરી ઇજા કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર વાડીના કવાર્ટર બ્‍લોક નં.૩૪ કવાર્ટર નં.૬૦૬માં રહેતો પારસ લાભુભાઇ પરમાર (ઉ.વ.૨૧) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં સોહીલ, રાજુભાઇ, સોહિલ બુકેશ, યુવરાજ ચૌહાણ અને એજાજ ઉર્ફે એજુ સામે ફરીયાદ નોંધાવી છે. પારસે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે પોતે સાધુવાસવાણી રોડ પર આઇ.આઇ.એફ.એલ બેંકમાં સાફ સફાઇનું કામ કરે છે. પોતે આ કવાર્ટરમાં માતા સાથે રહે છે. ગઇકાલે રાત્રે પોતે તથા કુટુંબીક ભત્રીજો કુલદીપ દિપકભાઇ બારૈયા બંને કવાર્ટરના ગેઇટ પાસે ઉભા હતા ત્‍યારે બે માળીયા કવાર્ટરમાંજ રહેતો સોહીલ રાજુભાઇ બહારથી સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ લઇને આવેલ અને જોર જોરથી ગાળો બોલતો હોઇ, અને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરતો હોઇ, પોતે તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્‍કેરાઇ જઇ પોતાની સાથે ઝપાઝપી કરવા લાગતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને વધુ મારથી છોડાવેલ બાદ આ સોહિલ તેના મિત્ર સોહિલ બ્રકેશ, યુવરાજ ચૌહાણ, એજાજ ઉર્ફે એજુ સહિત રાડો પાડતા પાડતા આવેલ અને યુવરાજે છુટા પથ્‍થરના ઘા કરવા લાગેલ જેથી પોતે ગેઇટ તરફ જતા સોહીલ રાજુભાઇ તેના હાથમાં રહેલ પ્‍લાસ્‍ટિકના ધોકાથી આડેધડ મારવા લાગેલ તેમજ સોહિલ બુકેરાએ છરી કાઢી પોતાના જમણા પગના સાથળના ભાગે ઝીંકી દીધી હતી અને એજાજ ઉર્ફે એજુએ કારની બોટલના ઘા કરતા પોતાને ડાબા પગના પંજા ઉપર કાચ લાગેલ. આ વખતે કુલદીપ તેમજ માતા રેખાબેન છોડાવવા માટે વચ્‍ચે પડતા કુલદીપને માથામાં મુંઢ ઇજા થઇ હતી તેમજ માતા રેખાબેનને ડાબા હાથની કલાઇ પર તેમજ ડાબા ખભા ઉપર ઇજા થઇ હતી. દેકારો બોલતા આસ-પાસના લોકો એકઠા થતા પોતાને છોડાવેલ આ લોકો જતા જતા કહેતા હતા કે ‘આજે તો તુ બચી ગયો છે હવે પછી ફરી ગેઇટ પાસે વચ્‍ચે ઉભો રહીશ તો તને જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી નાશી ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.વી.બાલાસરા સહિતે પારસ પરમારની ફરીયાદ પરથી સોહિલ રાજુ, સોહિલ બુકેરા, યુવરાજ ચૌહાણ અને એજાજ ઉર્ફે એજુ વિરૂધ્‍ધ મારામારી તથા એટ્રોસીટી કલમ હેઠળ ગુનો દાખલ કરી એસ.ટી.એસ. સી સેલના એસીપીએ તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)