Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજકોટ માટે જળસંકટ ટળ્‍યું : આજીમાં નર્મદા નીરની પધરામણી

આજી-૧ ડેમમાં ૧૮૦ MCFT પાણી અપાશે : નર્મદા નીરનું પાણી ફાળવવા બદલ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનો આભાર વ્‍યકત કરતા પદાધિકારીઓ

રાજકોટ તા. ૭ : શહેરને પાણી પુરૂં પાડતા આજી-૧ ડેમમાં નર્મદા નીરની પધરામણી થઇ છે. નર્મદા નીર આવતા શહેર પરનું જળસંકટ ટળ્‍યું છે. પાણી ફાળવવા બદલ મનપાના પદાધિકારીઓએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનો આભાર વ્‍યકત કર્યો હતો.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડે જણાવ્‍યું હતું કે,  દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો નર્મદા સાથે જોડવા‘સૌની યોજના'નું લોન્‍ચિંગ કરેલ. આજે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો સૌની યોજના હેઠળ જોડવાથી આશિર્વાદરૂપ પુરવાર થયેલ છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ અને ન્‍યારી-૧ને સૌની યોજનાના જોડાણના કારણે શહેરને પીવાના પાણીની સમસ્‍યા ભૂતકાળ બની ગયેલ છે.

શહેરને દૈનિક ૨૦ મિનીટ પીવાના પાણી વિતરણ માટે જયારે જયારે નર્મદાના પાણીની જરૂરીયાત ઉભી થયેલ ત્‍યારે રાજય સરકારશ્રી દ્વારા તુરત પાણી છોડવામાં આવેલ. ગત ઉનાળાની ઋતુમાં પાણીની જરૂરત ઉભી થતા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ આજી-૧ ડેમમાં પાણી આપવાનું શરૂ કરેલ એ જ રીતે ન્‍યારી-૧માં પણ પાણી ઠાલવવામાં આવેલ.

વિશેષમાં, ચોમાસાની ઋતુ દરમ્‍યાન સ્‍થાનિક જળાશયોમાં નવા નીરની આવક થયેલ ન હોય પાણીની જરૂરીયાત ઉભી થતા નર્મદાનું પાણી ફાળવવા રજૂઆત કરવામાં આવેલ. જે સરકાર દ્વારા મંજુર કરી નર્મદાનું પાણી છોડવામાં આવેલ. આજરોજ વહેલી સવારે આજી-૧ ડેમમાં નર્મદા મૈયાનું અવતરણ થઈ ગયેલ છે. જે બદલ રાજયના મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલનો તેમજ રાજકોટ શહેરની પાણીની ચિંતા કરી રહેલ વાહન વ્‍યવહાર વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીનો પદાધિકારીઓએ આભાર વ્‍યક્‍ત કરેલ હતો.

આજી-૧ ડેમ ગઈકાલે ૧૫.૫૨ ફુટની સપાટી હતી અને ૨૪૩ MCFT પાણીનો જથ્‍થો છે. આજી-૧માં દરરોજ ૧૩૫MLDપાણી ઉપાડવામાં આવે છે. નર્મદાનું પાણી ૧૮૦MCFTફાળવવામાં આવનાર છે. જેથી હાલમાં કોઈ પાણીની મુશ્‍કેલી ઉભી થશે નહી.

ચોમાસાની ઋતુ દરમ્‍યાન મેઘરાજાની કૃપાથી આજી, ન્‍યારી, ભાદર ડેમ ભરાય જશે તેવી પદાધિકારીઓએ આશા વ્‍યકત કરેલ હતી.

(4:27 pm IST)