Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજકોટમાં ગતરાતે અઢી ઈંચઃ મોસમનો ૨૫ ઈંચ

ગત સાંજથી મોડીરાત સુધી હળવાથી મધ્યમ એકધારો વરસ્યોઃ હવામાન ખાતામાં ૨૫ અને કોર્પો.માં મોસમનો ૨૧ ઈંચ નોંધાયો

રાજકોટ,તા.૭: સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ગઈકાલે પણ સારો એવો વરસી ગયો દરમિયાન રાજકોટ શહેરમાં પણ સતત બીજા દિવસે મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. ગતરાતે અઢી ઈંચ વરસી ગયો હતો. આમ શહેરમાં બે દિવસમાં સાડાચાર ઈંચ પાણી પડયું છે. મોસમના આંકડામાં તફાવત જોવા મળે છે. હવામાન વિભાગમાં ૨૫ ઈંચ જયારે મ્યુ.કોર્પો.માં ૨૧ ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ શહેરમાં ગત બુધવારે માત્ર ૩૦ મિનિટર્માં દેધનાધન બે ઈંચ ખાબકી ગયા બાદ ગઈકાલે ગુરૂવારે પણ દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ. સાંજના સમયે ફરી ઝરમર શરૂ થઈ ગયો હતો. આશરે સાતેક વાગ્યાની આસપાસ મેઘરાજાએ જમાવટ કરી હતી. એકરસ બની ગયો હતો જોરદાર જામ્યો હતો. ત્યારબાદ રાત્રીના જોર ઘટયુ હતું. પરંતુ હળવો સતત ચાલુ જ રહ્યો હતો.

નિયમીતપણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગમાં ગઈકાલે ૫૯.૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે મોસમનો કુલ ૬૩૪ મી.મી.નોંધાયો છે.

જયારે મ્યુ.કોર્પોરેશનના ફલડ કંટ્રોલરૂમમાં ગઈકાલે સેન્ટ્રલ ઝોન (૩૭ મી.મી. મોસમનો ૫૩૪ મી.મી.), વેસ્ટ ઝોન (૩૯મી.મી. મોસમનો ૫૧૮ મી.મી.) અને ઈસ્ટ ઝોન (૩૮ મી.મી. મોસમનો ૫૧૧ મી.મી.) વરસાદ નોંધાયો હતો.

(1:18 pm IST)