Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોરોનાગ્રસ્તોના પરિવારને હોમક્વોન્ટાઇન કરતી સંસ્થા

નહીં નફો નહીં નુકસાનના ધોરણે સેવા શરૂ કરી : યોગાથી લઈ રાત્રે ઉકાળો પીવડાવવા સુધીની તેમજ ડે ટુ ડે મેડિકલ ચેકઅપ સહિતની સુવિધાઓ આપવામાં આવે

રાજકોટ, તા.૬ : દિવસેને દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૧,૦૦૦ને પાર પહોંચ્યો છે. બીજી તરફ રાજકોટ ગ્રામ્યમાં પણ કંઈક આવા જ હાલ સામે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ડીસઇન્ફેકટ તેમજ કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટીન કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ સમયે કેટલાક લોકો એવા પણ હોય છે જેમના પરિવારમાં ઓછા સભ્યો હોવાથી તેમને ખાસ મુશ્કેલી પડતી હોય છે. આવા લોકોની વહારે રાજકોટની એક સામાજિક સંસ્થા આવી છે. હાલ રાજકોટ શહેરના ૭૦૭ પોઝિટિવ દર્દીઓ શહેરની જુદી જુદી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

                   આ તમામ દર્દીઓના ક્લોઝ કૉન્ટેક્ટમાં આવનારા વ્યક્તિઓને હાલ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં અનેક એવા લોકો છે કે જેમના પરિવારમાં માત્ર બેથી ત્રણ જેટલા જ લોકો છે. ત્યારે આવા લોકોને તંત્ર દ્વારા જ્યારે ક્વૉરન્ટીન કરવામાં આવે છે, આ સમયે તેમને અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. આવા જ લોકોની વહારે રાજકોટની સામાજિક જૈન વિઝન નામની સંસ્થા આવી છે. આ સંસ્થા દ્વારા રાજકોટમાં જુદી જુદી પાંચ જેટલી જગ્યાએ હોમ ક્વૉરન્ટીન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં દાખલ થનાર વ્યક્તિને અનેક સુવિધાઓ આપવામાં આવે છે. ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં જૈન વિઝનના મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોઈપણ જાતિના લોકોને પ્રવેશ આપવામાં આવે છે. અમારે ત્યાં પ્રવેશ લેનાર વ્યક્તિને એક રૂમમાં એક જ વ્યક્તિને રહેવાની છૂટ આપવામાં આવે છે. સવાર બપોર અને સાંજ એમ ત્રણ સમય જમવાનું આપવામાં આવે છે.

(8:39 pm IST)