Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, શહેરી વિકાસ - આવાસ સહિતના ક્ષેત્રે વિકાસયાત્રા અવિરતપણે જારી

મુખ્યમંત્રીપદે વિજયભાઈના ચાર વર્ષ પૂર્ણ : અભિનંદન આપતા રાજુ ધ્રુવ : કોરોનાની મહામારીમાં પણ ત્વરીત અને સકારાત્મક નિર્ણયો લેવામાં અગ્રેસર

રાજકોટ તા. ૭ : વિજયભાઇ રુપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એને આજે તા. ૭મી ઓગસ્ટે ચાર વર્ષ પૂર્ણ થશે. આંખના પલકારામાં આ સમય વિતિ ગયો.અને એ દરમિયાન એમણે જે નિર્ણયો લીધા છે, જે કામ કર્યું છે એની નોંધ દેશના અન્ય રાજયોએ પણ લીધી છે. ગુજરાતના વિકાસનો જે માર્ગ નરેન્દ્રભાઇ મોદી કંડારીને ગયા એના પર ગુજરાતને વિજયભાઇએ સતત સારી રીતે દોરવણી આપી છે એવું ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

આજે કોરોના સમયમાં જયારે વિશ્વના મજબૂત દેશો પણ હાંફી ગયા છે ત્યારે આપણે ત્યાં ગુજરાતમાં સરકારે જે વ્યવસ્થા કરી છે એ ઘણી પ્રશંસનીય છે. ગુજરાતમાં ધન્વંતરી રથ ફરી રહ્યો છે એના વખાણ બધે થયાં છે અને અન્ય રાજયોને પણ એ મોડેલ અપનાવવા માટે કેન્દ્ર સરકારે અનુરોધ કર્યો છે. આ તો જો કે તાજેતરની સિધ્ધિ છે. એ સિવાય પણ ચાર વર્ષમાં વિજયભાઇએ એવા એવા નિર્ણય લીધા છે જેની અસર ગુજરાતની પ્રજાના જીવન પર દુરોગામી થઇ છે એવું તેમણે જણાવ્યું હતું.

રાજુભાઇ ધ્રુવે ઉમેર્યું કે વિજયભાઇએ અત્યંત ઝડપી નિર્ણયો લીધા છે. ગૌ હત્યા વિરોધી કાયદો કડક બનાવ્યો અને ગાયની હત્યા કરનારને આજીવન કેદની સજા નક્કી કરાઇ. તો ૨૦૧૯ થી રાજયમાં ચેકપોસ્ટો નાબુદ કરવામાં આવી છે. દારુબંધીનો કડક અમલ એ વિજયભાઇની બહુ મોટી પહેલ છે. સામાજિક બદીને ડામવા માટેનું એમનું ઉત્ત્।મ પગલું છે. લાઇસન્સ માટે હવે આરટીઓમાં જવું પડતું નથી. પોલિટેકિનક કે આઇટીઆઇ જેવી ૨૫૦ જગ્યાએથી લર્નિંગ લાઇસન્સ પણ હવે ઉપલબ્ધ થઇ શકે છે. ખાનગી શાળાઓ બેફામ રીતે ફી વસૂલતી હતી એના પર પણ તેઓ નિયંત્રણ લાવ્યા.

વિજયભાઇ રુપાણીના શાસનના આ ચાર વર્ષમાં સૌરાષ્ટ્ર માટે સૌની યોજના આગળ વધી છે તો બીજી તરફ પંચમહાલ આદિજાતિ વિસ્તારના ગામોને પણ સિંચાઇનો લાભ મળ્યો છે. રાજયમાં નવી સાત મેડિકલ કોલેજને મંજુરી મળી છે. ગીરમાં ખેડુતોને દિવસે પણ વીજળી મળે એવી વ્યવસ્થા આ સરકારે કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયનું સીએમ ડેશબોર્ડ કે રાજયમાં હમણાં હમણાં શરુ થયેલાં ઇ લોકાર્પણ હોય વિજયભાઇમાં વિકાસની સુક્ષ્મદ્રષ્ટિ રહેલી છે. એક તરફ નવી યોજના, નવા પ્રકલ્પો છે તો સામે ઐતિહાસિક વારસા સમાન ઉપરકોટનું સમારકામ પણ સરકારે શરુ કરાવ્યું છે.

કોઇ પણ ક્ષેત્રમાં સફળ તો અનેક લોકો થાય. વિજયભાઇ મુખ્યમંત્રી તરીકે સફળ થવાની સાથે સાર્થક પણ નિવડ્યા છે.એક સહજ,સરળ જમીન થી જોડાયેલા જયાં માનવી ત્યાં સુવિધા એ એ સૂત્ર એ મંત્ર ને અમલ માં મુકનારા સતત કાર્યશીલ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ રાજુભાઇ ધ્રુવે પાઠવી છે.

(11:40 am IST)