Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રૈયાણી જુથની દમામદાર એન્ટ્રીઃ બે બેઠકો માટે છેલ્લી ઘડી સુધી ડખ્ખોઃ ચેરમેન પદ માટે જંગ જામશે

ધારાસભ્ય, પૂર્વ વિપક્ષી નેતા સહિતના ધુરંધરો પ્રથમ વખત રા.લો.સંઘની ચૂંટણીમાં

રાજકોટઃ સહકારી ક્ષેત્રે તાલુકા કક્ષાના નંબર વન ગણાતા રાજકોટ લોધીકા સંઘની સામાન્ય ચુંટણીમાં અસામાન્ય સમીકરણો જોવા મળ્યા છે. છેલ્લા બે દાયકાથી સંઘમાં નિતીન ઢાંકેચા જુથનું એકચક્રી શાસન રહેલ તેને બ્રેક મારવા ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી જુથે દમામદાર એન્ટ્રી કરી છે. આ સંઘમાં ધારાસભ્ય રૈયાણી, કોર્પોરેશનના પુર્વ વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા જેવા મોટા ગજાના આગેવાનો પ્રથમ વખત ચુંટણીના મેદાનમાં આવ્યા છે.

બંન્ને જુથો ભાજપના જ છે. એક તબક્કે રસાકસીભરી ચુંટણી થાય તેવા સ્પષ્ટ એંધાણ હતા. સામસામી રાજકીય તલવારો તણાઇ ગઇ હતી. હાઇકમાન્ડના નિર્દેશથી સ્થાનીક ભાજપના આગેવાનો જયેશ રાદડીયા, ડી.કે.સખીયા, રમેશ રૂપાપરા, લાલજીભાઇ સાવલીયા વગેરેએ મામલો હાથમાં લઇ સમાધાનનો સફળ પ્રયાસ કર્યો છે.

આધારભુત વર્તુળોના જણાવ્યા મુજબ ૧પ પૈકી ૧૩ બેઠકો માટે ગઇકાલે રાત સુધીમાં સર્વાનુમતી થઇ ગયેલ. ત્રંબા અને પારડીની બેઠક માટે બંન્ને જુથની ખેંચતાણના કારણે છેવટ સ.ુધી નિર્ણય લઇ શકાયેલ નહી. આજે ફોર્મ ભરવાનો સમય શરૂ થઇ ગયો ત્યાં સુધી પસંદગી પ્રક્રિયા ચાલુ હતી. જીલ્લા બેંક ખાતે બંન્ને જુથના આગેવાનોએ જોરદાર દલીલ કરેલ. એક તબક્કે તો બે બેઠકો માટે સમગ્ર સમાધાનનો માંચડો હચમચી જાય તેવા એંધાણ વર્તાયેલ. આખરે જયેશ રાદડીયાએ નિર્ણાયક મજબુત ભુમીકા કરી સમાધાનને આખરી ઓપ આપ્યો હતો. ત્રંબા બેઠકમાં નરેન્દ્રભાઇ ભુવા અને પારડી બેઠકમાં અરજણભાઇ રૈયાણી પસંદ થયા હતા. બેઠક પુરી થયા બાદ સૌ એકતાની વાતો કરતા બહાર નિકળી ફોર્મ ભરવા ગયા હતા.

રૈયાણી જુથ પોતાના પસંદગીના ૮ ઉમેદવારો આવ્યાનું કહે છે. બીજી તરફ ઢૉકેચા જુથનો પણ એવો જ દાવો છે. અત્યારની સ્થિતિએ બંન્ને જુથ સંખ્યાની દ્રષ્ટિએ લગભગ લગોલગ છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી વખતે વધુ એક વખત જંગ જામે અને બળાબળના પારખા થાય તેવા એંધાણ છે. અત્યારે તો સમાધાન થઇ જતા ભાજપની આબરૂને થનાર સંભવિત નુકશાન ટળી ગયું છે.

(3:47 pm IST)