Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રસ્તો ઓળંગતી દેવીપૂજક સગર્ભા અને પાંચ વર્ષનો પુત્ર કાનો બોલેરોની ઠોકરે ચડી ગયાઃ પુત્રનું મોત

જુના માર્કેટ યાર્ડ પાસે સંત કબીર રોડના નાલા તરફના ગેઇટ સામે બનાવઃ અકસ્માત સર્જી ચાલક બોલેરો લઇ ભાગી ગયોઃ નંબર મળી જતાં શોધખોળ

રાજકોટ તા. ૭: જુના માર્કેટ યાર્ડ પાસે સંત કબીર રોડના નાલા તરફના ગેઇટ સામે બોલેરો ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલી દેવીપૂજક સગર્ભા મહિલા અને તેના પાંચ વર્ષના દિકરાને ઠોકરે ચડાવતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં માસુમ દિકરાનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ યાર્ડ પાછળ સાગરનગરમાં કવાભાઇ રબારીની ચાની હોટેલ પાસે ઝૂપડામાં રહેતી તેજલબેન દિપક સુરેલા (દેવીપૂજક) (ઉ.વ.૨૫) પોતાના પુત્ર કાનો (ઉ.વ.૫)ની આંગળી પકડી યાર્ડના ગેઇટ સામે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બોલેરો ગાડીના ચાલકે બંનેને ઠોકરે ચડાવતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં પાંચ વર્ષના પુત્ર કાનાનું મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જી બોલેરો લઇ ચાલક ભાગી ગયો હતો. એકઠા થયેલા લોકોએ ગાડીના નંબર જીજે૧૩એડબલ્યુ-૨૭૩૯ નોંધી લીધા હતાં. જેના આધારે પોલીસે તેજલબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેજલબેનને સંતાનમાં બે પુત્રમાં એક બે વર્ષનો છે, પાંચ વર્ષના પુત્રનું મોત થયું છે અને હાલમાં તેણી સગર્ભા છે. બી-ડિવીઝનના હેડકોન્સ. અશ્વિનભાઇ રાઠોડે ગુનો નોંધી ભાગી ગયેલા બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

થોરાળાના અનિલભાઇ પરમારનું બેભાન હાલતમાં મોત

 નવા થોરાળા વિનોદનગર-૧માં રહેતાં અનિલભાઇ બીજલભાઇ પરમાર (ઉ.વ.૩૭) ઘરે કેન્સરની બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. અનિલભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. થોરાળા પોલીસે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:13 pm IST)