Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વિજયભાઇના ૧૪૬૦ દિવસના કાર્યકાળ દરમિયાન ૧૫૦૦થી વધુ લોકહિતના નિર્ણયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સુશાસનને ૪ વર્ષ પૂર્ણ થતા અભિનંદન પાઠવતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ : શપથ ગ્રહણના ૪ સ્તંભ પ્રગતિશીલ, સંવેદનશીલ, ઝડપી નિર્ણય અને પારદર્શક વહીવટના સંકલ્પો સાકાર થવા તરફ

રાજકોટ તા. ૭ : ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આજરોજ ૦૪ વર્ષ પુરા કરેલ છે. અને એક સંવેદનશીલ નિર્ણાયક સરકાર તરીકે ઉભરી આવેલ છે. ત્યારે તેને હાર્દિક શુભકામના પાઠવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, વિજયભાઈ રૂપાણીએ એક મુખ્યમંત્રી તરીકે આજરોજ ૦૪ વર્ષ પૂર્ણ કરેલ છે. ત્યારે તેમણે જેટલા દિવસ શાશનકાળને થયા તેનાથી પણ વધુ એટલે કે ૧૪૬૦ દિવસમાં ૧૫૦૦થી વધુ લોકહિતના નિર્ણયો કરી એક નિર્ણાયક સરકાર તરીકે ઉભરી આવેલ છે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા ગૌવંશ પશુની હત્યા અટકાવવા તથા પશુઓની ગેરકાયદેસર હત્યા કરવાના દુષણ પર અંકુશ મેળવવા આજીવન કેદની સજા અને રૂ.૫ લાખના દંડની જોગવાઈ કરેલ છે. રાજયમાં સ્થાપનાકાળથી જ દારૂબંધીનો કાયદો તો છે જ પરંતુ આ કાયદો વધુ કડક બનાવી દારૂની હેરફેર, ઉત્પાદન અને ખરીદ વેચાણ માટે ૧૦ વર્ષની સજા અને રૂ.૫ લાખના દંડની જોગવાઈ કરેલ.

રાજયના તમામ જીલ્લા પંચાયતોમાં બિનખેતીની પરવાનગીની પ્રક્રિયા એકદમ સરળ અને ઓનલાઈન કરેલ છે. જેના કારણે લોકોને બિનખેતી માટે પરવાનગી મેળવવામાં પડતી મુશ્કેલી દુર થઇ છે. દક્ષિણ ગુજરાતના વનબંધુ ડાંગ જિલ્લામાં વનવાસી ખેડૂતો માટે ૨૪ ચેકડેમ બનાવવામાં આવેલ છે જેના કારણે વનબંધુઓને ખેતીમાં જરૂરી પાણી મળી રહે છે. સાથોસાથ પંચમહાલ આદિજાતિ વિસ્તારના ૮૫ ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી રહે તે માટે આશરે રૂ.૨૫૦ કરોડના ખર્ચે ચેકડેમ યોજના મંજુર કરેલ છે.

રાજયના રાજમાર્ગો પરથી પસાર થતા વાહનો માટે ૧૬ જેટલી ચેક પોસ્ટ હતી ત્યાં ચેકિંગ માટે વાહનો ઉભા રહેતા ઈંધણ અને સમય વેડફાતો તે અટકાવવા ચેક પોસ્ટ પ્રથા નાબુદ કરેલ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના શરૂ કરાવેલ આ યોજનાને આગળ વધારી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રના તમામ જળાશયો, તળાવો અને ચેકડેમમાં પાણી ઠાલવી સૌરાષ્ટ્રની અતૃપ્ત ધરાને તૃપ્ત કરી છે.

વર્તમાન સમયમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અમદાવાદ ખાતે રૂ.૭૫૦ કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકોની સેવામાં મુકવામાં આવેલ છે. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી અને આરોગ્યલક્ષી સાધનોથી સુસજ્જ આ હોસ્પિટલથી લોકોની આરોગ્યલક્ષી સેવામાં ખુબ વધારો થઇ રહ્યો છે.

રાજયના ગીર સહીત જંગલ વિસ્તારના ખેડૂતોને રાત્રીના સમયે હિંસક પ્રાણથી રક્ષણ મળી રહે તે માટે દિવસ દરમ્યાન સિંચાઇ માટે વીજળી આપવાનું શરૂ કરવામાં આવેલ છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશના સપનાને સાકાર કરવા રાજયમાં નવી જી.આઈ.ડી.સી. ચાલુ કરવામાં આવેલ છે. રાજયની બીનઅનામત જાતિઓને અન્યાય નિવારવા માટે આયોગની રચના કરવામાં આવેલ છે તેની સાથોસાથ બીનઅનામત જાતિના લોકોને આપવામાં આવતી મકાન સહાયમાં ૭૦%નો વધારો કરવામાં આવેલ છે. રાજયમાં  ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે આ અંગેના કાયદામાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. ગંગા સ્વરૂપા યોજનાની આર્થિક સહાયની રકમ સિધ્ધી લાભાર્થીના ખાતામાં જમા થાય તે માટે પોસ્ટ ખાતામાં જમા કરાવવાની ડી.બી.ટી. કાર્ય પદ્ઘતિનો પ્રારંભ કરાવી રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જોડાણ દ્વારા ૩૩ જિલ્લાઓમાં લાભાર્થી માતા બહેનોને મોટી રકમની સહાય આપવામાં આવેલ છે.

આ રીતે રાજય સરકાર દ્વારા રાજયના તમામ વિસ્તારોમાં અનેકવિધ વિકાસ કામો સાથોસાથ પ્રજાલક્ષી નિર્ણયો કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીશ્રી રાજકોટના સપૂત હોઈ રાજકોટને તો 'મોસાળે જમણ અને માં પીરસનાર' પછી તો માંગવાનું જ ન રહે તેવું રાજકોટ માટે થયું છે. રાજકોટ શહેરને ઈન્ટર નેશનલ એરપોર્ટ, એઈમ્સ, બસ પોર્ટ, આઈ-વે પ્રોજેકટ, અર્બન ફોરેસ્ટનો શુભારંભ જેવી અનેક યોજનાઓની સાથોસાથ પાણી પુરવઠા, ડ્રેનેજ યોજનામાં જરૂરી સહાયની સાથોસાથ ચોમાસા દરમ્યાન નુકશાન પામેલ રસ્તાઓ માટે ખાસ પેકેજ પણ બહાર પડેલ આમ શહેરના વિકાસમાં રાજય સરકારની સતત મદદ મળતી રહી છે. ફરીને મુખ્યમંત્રીશ્રીની નિર્ણાયક સરકારને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવવામાં આવે છે.

(2:48 pm IST)