Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રેલ કર્મચારીને વ્યાજ માટે ધમકી આપનારો વધુ એક પકડાયોઃ ડાયરીમાં ૧૦૧ લોકોને ઉંચા વ્યાજે ૬૬ લાખ આપ્યા હોવાની વિગતો

ક્રાઇમ બ્રાંચની ટીમે અગાઉ દુષ્યંતસિંહ ઉર્ફે બબલુને પકડયા બાદ ઉપેન્દ્રસિંહ ઉર્ફે લાલા ઠાકુરનું નામ ખુલતા ધરપકડ

રાજકોટ તા. ૭: રેલવે હોસ્પિટલના કર્મચારીને વ્યાજ માટે ધમકી આપનારા વધુ એક શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લઇ તપાસ દરમ્યાન તેની પાસેથી ૧૦૧ લોકોને ઉંચા વ્યાજે રૂ. ૬૬ લાખ આપ્યા હોવાની વિગતો બહાર આવી છે.

મળતી વિગત મુજબ રેલવે હોસ્પિટલમાં પ્યુન તરીકે નોકરી કરતા મહેન્દ્રભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૪૬) એ ગત તા. ર૦/૬ ના રોજ પ્ર.નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં રેલનગર મેઇન રોડ ક્રિષ્ના સોસાયટી પોપટપરા નાલા પાસે રહેતા દુષ્યંતસિંહ ઉર્ફે બબલુ વિરેન્દ્રસિંહ ઠાકુર (ઉ.વ.૪ર) (ધંધો ફાઇનાન્સ) નું નામ આપ્યું હતું. મહેન્દ્રભાઇ મકવાણાએ પોતાની દીકરીના લગ્ન માટે વર્ષ ર૦૧૮માં મિત્ર સર્કલમાંથી રૂ. બે લાખ હાથ ઉછીના લીધા હતા. દીકરીના લગ્ન બાદ પૈસા પરત આપવાના હોઇ તેથી રેલવે કેન્ટીનમાં સેવક તરીકે કામ કરતા સંજય રાજપૂતને વાત કરતા તેણે ફોન કરી બબલુ ઠાકુરને બોલાવેલ અને પૈસાની વાત કરતા બબલુ ઠાકુરએ પોતે પાંચ ટકા વ્યાજે નાણા આપશે તેમ કહી બે કોરા ચેક માંગ્યા હતા અને બેંકમાં પગાર જમા થતો હોઇ એટીએમ કાર્ડ પણ તેણે લઇ લીધું હતું. એટલું જ નહીં પોતે રૂપિયા હાથ ઉછીના આપે છે. તેવું લખાણ નોટરી પાસે બબલુએ કરાવી લીધું હતું અને તે બે લાખમાંથી પાંચ ટકા વ્યાજના ૧૦ હજાર કાપી બબલુએ ૧.૯૦ લાખ આપ્યા હતા એ પછી તે દર વખતે મહેન્દ્રભાઇ મકવાણાનો પગાર જમા થાય તે સાથે એટીએમમાંથી રૂ.૧૦ હજાર ઉપાડી લેતો હતો. બાદ મહેન્દ્રભાઇના ખાતામાં કર્મચારી લોનના રૂ. પપ હજાર જમા થતા તે રકમ ખાતામાંથી ઉપાડતા બબલુ રેલવે દવાખાને આવ્યો હતો અને ખાતામાં કંઇ રકમ જમા થાય તેમાંથી તારે એક રૂપિયોય ઉપાડવાનો નથી એ રૂપિયા મારે જ ઉપાડવાના છે જો પપ હજાર નહીં આપતો જીવતો નહીં રહેવા દઉં તેમ ધમકી આપી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે દુષ્યંતસિંહ ઉર્ફે બબલુ વિરેન્દ્રસિંહ ઠાકુર (ઉ.વ. ૪ર) ની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેની પાસેથી લાલ કલરની ડાયરી કબજે કરી હતી. જે ડાયરી ઉપેન્દ્રસિંહ ઉર્ફે લાલા ઠાકુર સુરજપાલસિંહ ઠાકુરની હોવાનું ખુલતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડ કોન્સ. જયેશભાઇ, હિતેન્દ્રસિંહ, જયદીપસિંહ, અમીનભાઇ, હિરેન્દ્રસિંહ અને જીજ્ઞેશભાઇ મારૂ સહિતે જંકશન પ્લોટ શેરી નં. ૧/૧૧ના ખુણે રહેતો ઉપેન્દ્રસિંહ ઉર્ફે લાલા ઠાકુર સુરજપાલસિંહ ઠાકુર (ઉ.વ. પર) (ધંધો કેબલ કનેકશન) ને પકડી લઇ પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ડાયરીમાં કુલ ૧૦૧ નામની યાદી સાથે રૂ. ૬૬,૦૩,ર૦૦ ની રકમ અલગ-અલગ વ્યકિતઓને ઉંચા વ્યાજે આપી હોવાની વિગતો હતી અને ઉપેન્દ્રસિંહ ઉર્ફે લાલા ઠાકુરે આ ડાયરી પોતાની હોવાનું અને તમામ લોકો પાસેથી વ્યાજે નાણા આપ્યા હોવાનું જણાવ્યું હતું. જો કોઇ વ્યકિતએ આ શખ્સ પાસેથી વ્યાજે પૈસા લીધા હોઇ અને તેના વ્યાજચક્રમાં મજબુરીવશ ફસાયેલા હોઇ અને આ શખ્સની ધાકધમકીના ડરના લીધે ફરીયાદ ન કરનારા વ્યકિતઓએ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:13 pm IST)