Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કલેકટર તંત્ર અને જીઇબી બંનેમાં ફરી કોરોનાનો તરખાટઃ પૂર્વ વિસ્તારના મામલતદારના ડ્રાઇવર તથા લાઇનમેન ઝપટે

પૂર્વ મામલતદાર કચેરી હાલ ચાલૂઃ નાનામવા વીજ સબ ડિવીઝનના બે કર્મચારી કોરોન્ટાઇન કરાયા

રાજકોટ તા. ૭ : રાજકોટ કલેકટર તંત્ર અને રાજકોટ વીજતંત્ર આ બંને તંત્રની પાછળ કોરોના આદુ ખાઇને પડી ગયો છે, કલેકટર તંત્રના ૯માં કર્મચારીને કોરોના વળગતા તેમને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

વિગતો મુજબ જૂની કલેકટર કચેરીમાં બેસતી પૂર્વ મામલતદાર કચેરીના કર્મચારી અને મામલતદારના ડ્રાઇવર પ્રશાંત સોલંકીને કોરોના પોઝીટીવ જાહેર થતા તેમને દાખલ કરાયા છે, આ ડ્રાઇવર મામલતદાર સહિત અનેકના સંપર્કમાં આવ્યાનું અને ઘણાની ચેમ્બરમાં ગયાનું બહાર આવ્યું છે, જો કે હાલ તો કચેરી ચાલૂ છે. કેટલાને હોમ કોરોન્ટાઇન કરાયા તે પણ વીગતો જાહેર કરાઇ નથી.

આ ઉપરાંત રાજકોટ વીજ તંત્રના એક લાઇમેનને કોરોના વળગ્યાનું બહાર આવ્યું છે.

નાનામવા સબ ડીવીઝનના લાઇનમેન ભટ્ટીને કોરોના પોઝીટીવ જાહેર થતા સ્ટાફ ફફડી ઉઠયો હતો, કાલથી બે દિ' આ કચેરી બંધ રહેશે ભટ્ટી સાથેના બે કર્મચારીને હોમ કોરોન્ટાઇન કરાયા છે, કચેરીને સેનેટાઇઝર કરવાની  કામગીરી હાથ ધરાઇ છે, જીઇબીમાં આ પહેલા ઉદ્યોગનગર વીજ સબ ડીવીઝનના બે વીજ ઇજનેરોને કોરોના વળગ્યો હતો, હવે લાઇનમેન ઝપટે આવી ગયા છે.

(3:16 pm IST)