Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સાઇકલ... સાઇકલ... મારી સરરર જાય

ઇન્ડીયા સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જમાં રાજકોટ પસંદઃ ૧ કરોડ મળશે

રાજકોટીયનો બન્યા સાયકલ પ્રેમીઃ કોરોના કાળમાં શહેરમાં સાયકલોનું વેચાણ વધ્યુઃ સાયકલો ઉપયોગ વધારવા ઝુંબેશ અને સ્પર્ધાઓ યોજાશે

રાજકોટ, તા., ૮ : કોરોના કાળમાં શહેરનાં લોકો સાઇકલ પ્રેમી બન્યા છે. કેમકે સાયકલોનું વેચાણ વધ્યું  છે અને તેની નોંધ લઇ ઇન્ડિયા સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જમાં રાજકોટનો સમાવેશ થયો છે. આ અંગે મ.ન.પા.ની સતાવાર યાદીમાં જણાવાયું છે કે COVID-19 ને કારણે વ્યકિતગત પરિવહનના વિકલ્પોની આવશ્યકતામાં વધારો થવાની ધારણા છે, જેમાં લોકડાઉનમાંથી બહાર આવતા શહેરોમાં સાયકલના ઉપયોગમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. રાજકોટમાં પણ પાછલા મહિનાઓમાં સાયકલના વેચાણમાં વધારો જોવા મળેલ છે.

શહેરને સાયકલ ફ્રેંડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા 'ઈન્ડીયા સાયકલ ફોર ચેન્જ' ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. આ ચેલેન્જ અંતર્ગત શહેરને તેમના નાગરિકો સાથે જોડાઈ અને નિષ્ણાતોની મદદથી, સમગ્ર શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટેના પગલાં ભરવાના રહેશે. રાજકોટ સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે, જેમાટે હવે નાગરિકો પાસેથી પણ સૂચનો મંગાવામાં આવેલ છે.

આ ચેલેન્જને લગતા કાર્ય કરવા માટે એક ટીમની રચના કરવામાં આવશે. આ ટીમ સર્વે તેમજ નાગરિકો સાથે સંવાદ કરીને શહેરમાં સુરક્ષિત રીતે સાયકલનો ઉપયોગ વધે તે માટેના વિવિધ કેમ્પેઇન અને પ્રતિયોગિતા યોજશે

ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જમાં ૨ સ્ટેજ હશે. પહેલા સ્ટેજમાં શહેરોમાં સાઇકલિંગને પ્રોત્સાહિત કરવા અને સ્કેલ-અપ વ્યૂહરચના વિકસાવવા માટે ઝડપી હસ્તક્ષેપો અને પ્રમોશનલ પ્રવૃત્ત્િ।ઓનો અમલ કરવામાં આવશે. જે અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે, જેના આધારે ૧૧ શહેરોની પસંદગી કરવામાં આવશે અને પસંદગી પામેલ પ્રત્યેક શહેરને સ્ટેજ ૧ માં રજૂ કરેલી સ્કેલ-અપ યોજનાના અમલીકરણ અને સાયકલિંગને વધુ પ્રોત્સાહિત કરવા માટે ૧ કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.

નાગરિક પ્રતિભાવ

ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ અંતર્ગત રાજકોટ શહેર સાથે જોડાવા અને સૂચનો આપવા માટે ઇચ્છુક નાગરિક https://forms.gle/FRxBSvgvvdp K2DuTA લિંક પર પોતાના પ્રતિભાવ રજુ કરી શકે છે.

સાઇકલિંગથી મળશે અનેક ફાયદા

૧ ટ્રાન્સ્પોર્ટેશન માટેનો એક સારો વિકલ્પ

૨ પર્યાવરણના સંરક્ષણમાં ઉપયોગી થાય

૩ સાઇકલિંગ કરનારનું આરોગ્ય સારું રહે.

(3:49 pm IST)