Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજકોટમાં મહિલા સશકિતકરણ પખવાડીયાથી ઉજવણીનો પ્રારંભ કરાવતા વિભાવરીબેન

રાજકોટ,તા. ૭ : રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના નેજા હેઠળ રાજયભરમાં તારીખ ૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન જુદા-જુદા વિષય સાથે 'મહિલા સશકિતકરણ પખવાડીયા'ની ઉજવણી કરવામાં આવ રહી છે. જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી વિભાવરીબેન દવેના હસ્તે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએ વેબિનારના માઘ્યમથી 'મહિલા સશકિતકરણ પખવાડીયા'નો પ્રારંભ કર્યો હતો. જે પૈકી 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજના અંતર્ગત તા. ૫ મી ઓગસ્ટે મહિલા આરોગ્ય દિવસ  ઉજવવામાં આવ્યો હતો.

આ સંદર્ભે પ્રવર્તમાન સ્થિતિને ઘ્યાને રાખતા મહિલાઓને એકત્રિત કરવી સંભવ ન હોવાથી જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ 'બેટી બચાઓ બેટી પઢાઓ'નો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ શહેરમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લોધીકા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખીરસરા, સબ સેન્ટર-વડવાજડી અનેસબ સેન્ટર છાપરા ખાતે સામાજિક અંતર સાથે ડો. માંકડીયા દ્વારા સંસ્થાકીય પ્રસુતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦ જેટલી કિશોરીઓને હાઈજીન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકો-સગર્ભા મહિલાઓના આરોગ્યની તપાસ કરીને રાજયસરકાર દ્વારા અમલી બનાવાયેલી મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમના જન્મદિને દિકરી જન્મને પ્રોત્સાહન આપવા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કિરણબેન મોરિયાણીના સંકલન સાથે મહિલા શકિત કેન્દ્ર દ્વારા 'વ્હાલી દિકરી'યોજના અંતર્ગત ૩૦ લાભાર્થીઓને દિકરી 'વધામણા કીટ'  તેમના ઘરે જઈને આપવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મહિલા શકિત કેન્દ્ર, રાજકોટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લોધિકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખીરસરા, સબ સેન્ટર-વડ વાજડી, સબ સેન્ટર-છાપરાના મેડીકલ ઓફિસર, ફીમેલ હેલ્થ વર્કર અને આશા વર્કર બહેનો જોડાયા હતા.

(3:51 pm IST)