Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મયુરનગરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ધવલ અને પવો ૪.૧૭ લાખના દારૂ સાથે ઝડપાયા

તહેવાર ટાણે કમાણી કરી લેવા બૂટલેગરો મેદાનેઃ પોલીસ પણ વધુ સક્રિય બની : ૯૬૦ બોટલ દારૂ, વાહન, ફોન મળી ૬,૬૯,૧૨૦નો મુદ્દામાલ કબ્જેઃ સપ્લાયર જંગલેશ્વરના આરીફ ઉર્ફ ભોલાબાપુનું નામ ખુલ્યું : હેડકોન્સ. સંતોષભાઇ મોરી અને કોન્સ. કરણભાઇ મારૂની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૭: તહેવાર ટાણે શહેરમાં નાના-મોટા બૂટલેગરો મેદાનમાં આવી જતાં હોય છે. પોલીસ પણ સામે સતર્ક થઇ જતી હોય છે. ક્રાઇમ બ્રાંચે ભાવનગર રોડ પર મયુરનગરમાં દરોડો પાડી આ વિસ્તારના બે જુના બુટલેગરોને રૂ. ૪,૧૭,૧૨૦નો ૯૬૦ બોટલ દારૂ ભરેલા દોસ્ત નામના વાહન સાથે પકડી લીધા છે. આ દારૂ જંગલેશ્વરના શખ્સે આપ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સંતોષભાઇ મોરી અને કોન્સ. કરણભાઇ મારૂની ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગર રોડ મયુરનગર-૧માં દોસ્ત ગાડી નં. જીજે૦૩બીડબલ્યુ-૦૧૪૩ દારૂ ભરીને આવી છે. આ માહિતીને આધારે પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમે દરોડો પાડી બાતમી મુજબનું વાહન પકડી લઇ તપાસ કરતાં અંદરથી રૂ. ૪,૧૭,૧૨૦નો ૯૬૦ બોટલ દારૂ મળી આવતાં તે તથા રૂ. ૨,૫૦,૦૦૦નું વાહન, બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૬,૬૯,૧૨૦નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે મયુરનગર-૧માં રહેતાં પ્રવિણ ઉર્ફ પવો દેવશીભાઇ ગાબુ (કોળી) (ઉ.વ.૨૮) તથા રાજમોતી મીલ પાછળ ચુનારાવાડ-૫માં સરકારી શાળા નં. ૨૩ની બાજુમાં ગોપાલ સ્ટોર પાસે રહેતાં ધવલ ધીરેનભાઇ પૂજારા (ઉ.વ.૩૧)ની ધરપકડ કરી હતી.

આ બંનેની પ્રાથમિક પુછતાછ થતાં તેણે પોતે જંગલેશ્વરના આરીફ ઉર્ફ ભોલાબાપુ પાસેથી દારૂનો જથ્થો ભરી લાવ્યાનું કહેતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બંને શખ્સો અગાઉ પણ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયાનું પોલીસસુત્રોએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ હાલ અસરકારક પેટ્રોલીંગ કરી દારૂ-જૂગારના કેસો શોધી કાઢવા સુચના આપી હોઇ ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બી.આર. ગઢવી, એએસઆઇ સી.એમ. ચાવડા, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ, અંશુમનભા ગઢવી, અભીજીતસિંહ જાડેજા,  કોન્સ. કરણભાઇ મારૂ,કોન્સ. અશોકભાઇ ડાંગર, ઇન્દ્રજીતસિંહ ગોહિલ,સંજયભાઇ ચાવડા સહિતે આ કામગીરી કરી હતી.

(3:55 pm IST)