Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

તહેવારો માથે છે પરંતુ પુરવઠાનું ઘોડું ડચકા ખાય છે!! તેલ-ખાંડ હજુ નથી અપાયાઃ અનેક દુકાનો પર માલનો અભાવ

મોટા દુકાનદારો માલ આપે છેઃ પુરવઠા નીગમમાં મજૂરોની ખેચ ચલણના ઢગલા અંગે આક્ષેપો... :અમુક દુકાનદારો કાર્ડ હોલ્ડરોને પૂછે છે તમારે પૈસાથી માલ જોઇએ છે કે ''મફત'' માલ જોઇએ છે :નાના દુકાનદારો કાર્ડ હોલ્ડરોને મફત માલ અંગે સવાલ કરતા હોય જથ્થો બારોબાર વેચી નાંખવા અંગેના મોટા કૌભાંડની આશંકાઃ પુરવઠા સુધી ફરીયાદો : પુરવઠા ખાતુ કહે છે વિતરણ ચાલુ છે માલ પણ પહોંચી ગયો છેઃ ડોર સ્ટેપ ડિલીવરીનો કોન્ટ્રાકટ પણ અપાઇ ગયો છે

રાજકોટ તા. ૭: રાજકોટ શહેર-જીલ્લામાં તહેવારોની મોસમ શરૂ થઇ ગઇ પરંતુ પુરવઠાનું ઘોડુ દશેરાએ ન દોડે તેમ દોડયું નહિં હોવાનું બહાર દુકાનદારો અને લોકોમાં-કાર્ડ હોલ્ડરોમાં દેકારો બોલી ગયો છે.આજે બોળ ચોથ છે, કાલે નાગ પાંચમ થશે, અને રવિવારે રાંધણ છઠ્ઠ છે, પરંતુ સરકારે જાહેરાત કરેલ મુજબ હજુ સુધી રાહતદરે તેલ અને ખાંડ દુકાનો ઉપર પહોંચ્યા નથી કે લોકોને વિતરણ થયા નથી.

એટલું જ નહીં ગુજરાત સરકારનો ઘઉં-ચોખા-ખાંડ-મીઠુનો જથ્થો જે નકકી કરેલ ભાવ મુજબ બીપીએલ-અંત્યોદય અને NFSA કાર્ડ હોલ્ડરોને આપવાનો થાય છે, અને વિતરણ શરૂ કરાયું છે, તે જથ્થો રાજકોટ શહેરની સંખ્યાબંધ દુકાનો ઉપર પહોંચ્યો નહીં હોવાનું અને લોકોને પારાવાર ધકકા થતા હોવાનું બહાર આવ્યું છે.

ચોંકાવનારી બાબત એ છે કે એક ડઝન જેટલા મોટા દુકાનદારોએ ગુજરાત સરકારના જથ્થાનું વિતરણ શરૂ કરી દીધું છે, પરંતુ સંખ્યાબંધ નાના એવા દુકાનદારો છે કે તેમણે વિતરણ શરૂ કર્યું નથી તેવી ફરીયાદો ઉઠી છે, તો અમુક લેભાગુ દુઁકાનદારો જે કાર્ડ હોલ્ડરો જથ્થો લેવા આવે તેને એમ પૂછી રહ્યા છે કે તમારે આ ગુજરાત સરકારનો નકકી કરેલી કિંમતથી અપાતો જથ્થો જોઇએ છે કે તા. ૧૬મીથી શરૂ થનાર વડાપ્રધાન અન્ન આયોજનનો મફત આપવાનો જથ્થો જોઇએ છે, તેવો સવાલ પૂછતા હોય કાર્ડ હોલ્ડરો મફતનું કહીને પરત ચાલ્યા જાય છે.

આમાં દુકાનદારોની કહેવાતી મીલી ભગત અને બારોબાર જથ્થો વેચી નાંખવાની શંકા-કૌભાંડ છતુ થઇ રહ્યું છે, આવ ી ફરીયાદો પુરવઠા સુધી પહોંચી છે, તંત્ર ચોંકી ઉઠયું છે અને તપાસ પણ શરૂ કર્યાનું કહેવાય છે.

એક ચોંકાવનારી ફરિયાદ એવી બહાર આવી છે કે, દુકાનદારોએ પરમીટ કઢાવવા જે પૈસા ભર્યા છે તેના ઢગલાબંધ ચલણો પુરવઠા વિભાગના ગોડાઉનો પર પડયા છે, મતલબ કે દુકાનો ઉપર પુરતો માલ પહોંચ્યો નથી કે ઠામુકો માલ પહોંચ્યો નથી, આની પાછળ મજુરોની ખેચ-શોર્ટેજ કારણભૂત ગણાવાઇ રહી છે, અને બીજુ મુખ્ય કારણ ડોર સ્ટેપ ડિલીવરીનો કોન્ટ્રાકટ પુરો થયો તે છે, આ કોન્ટ્રાકટ પુરો થતા અનેક દુકાનો ઉપર માલ પહોંચ્યો નથી.

દરમિયાન ઉપરોકત બાબતે આજે પુરવઠાના અધીકારી સુત્રોએ જણાવેલ કે મોટા દુકાનદારો માલ આપે છે, નાના દુકાનદારો નથી આપતા તેવી કોઇ વાત નથી, તમામ દુકાનો ઉપર માલ પહોંચાડાઇ રહ્યો છે, વિતરણ પણ શરૂ થઇ ગયું છે, ડોર સ્ટેપ ડિલીવરીનો કોન્ટ્રાકટ અમદાવાદની એક પાર્ટીને અપાયો છે, મજૂરોની પણ કોઇ ખેચ નથી...આમ છતા અમે તપાસ કરી રહ્યા છીએ, જે દુકાનદાર સામે ફરીયાદ હશે તેની સામે પગલા લેવાશે, તેમજ પુરવઠા નીગમ ખાતે દુકાનદારોના ચલણો ઢગલાબંધ પડયા છે તે વાત પણ ખોટી છે, એની પણ તપાસ થશે.

(3:57 pm IST)