Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ટુ વ્હીલર ચાલકો માટે અત્યંત જોખમી બની ગયેલો મહિલા કોલેજ અંડરબ્રીજ

સવારે એલઆઇસીના મહિલા કર્મચારી લપસી જતા ઘવાયાઃ બ્રીજમાં વાહનોની સ્પીડ નિયંત્રિત કરવી જરૂરી

રાજકોટ તા. ૭ :.. શહેરની મધ્યમાં આવેલ અને દરરોજ લાખો વાહન ચાલકોની અવરજવરથી ધમધમતો રહેતો મહિલા કોલેજ અંડરબ્રીજ હાલ ચોમાસાને કારણે ભીનો અને લપસણો બની ગયો હોવાથી વાહન ચાલકો અને ખાસ તો ટુ વ્હીલર ચાલકો માટે અત્યંત જોખમી બની ગયો છે. આજે સવારે ઘેરથી ઓફિસે જતા એલઆઇસી ઓફ ઇન્ડીયાના એક મહિલા કર્મચારી અંડરબ્રીજમાં જ પોતાના ટુ વ્હીલર સાથે લપસી જતા ઘવાયા હતાં. આ ઘટનાને પગલે સવારમાં થોડો સમય ટ્રાફિક જામ થઇ ગયો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી ટુ વ્હીલર ચાલકો અંડરબ્રીજમાં લપસી જવાના બનાવો રોજીંદા બની ગયા છે ત્યારે ટ્રાફિક પોલીસ અંડર બ્રીજમાં વાહનોની સ્પીડ ઉપર નિયંત્રણ મુકાવવા પગલા લે અને મ્યુ. કોર્પો. તંત્ર અંડરબ્રીજની સાફ સફાઇ અને લોખંડના એંગલ આસપાસ ભરાતા પાણીના નિકાલ અને લીંકેજ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી ઘટતા પગલા લે તેવી લોકલાગણી ઉઠી છે.

સવારે અને સાંજના સમયે અંડરબ્રીજમાં વાહનોની સંખ્યા ખાસ્સી વધી જાય છે. આમ છતાં ઘણા ઉતાવળા વાહન ચાલકો ફુલ સ્પીડમાં વાહન ચલાવી બીજા નાના વાહન ચાલકોને જોખમમાં મુકી દે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી વાહનોની ગતિ નિયંત્રીત કરવામાં આવે તે હવે ખુબ જ જરૂરી બની ગયું છે. એક તો અંડરબ્રીજના ઢોળાવ અને તેમાં વાહનોની સ્પીડને કારણે વાહનો કયારેક બેકાબુ બની જાય છે. અમુક અંતરે નાના સ્પીડ-બ્રેકર મુકવા અંગે પણ તંત્રે વિચારવું જોઇએ. તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

(4:11 pm IST)