Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

આંતરરાજ્ય કાસ્ટિંગ પાઇપ ધાડપાડુ ગેંગને ઝડપી લેવાઈ

રાજકોટ એલસીબી પોલીસને મળેલી સફળતા : આરોપીઓ દ્વારા ૧૦ રાજ્યોમાં કરેલ ધાડ તથા ચોરીની કબૂલાત : ત્રણ ટ્રક સહિત ૪૫.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ, તા. ૭  : રાજ્યમાં ચોરીનું પ્રમાણ ઘટે અને નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા માટે ગુજરાત પોલીસ સતત સક્રિય છે. જેના ભાગરૂપે કાસ્ટિંગની ધાડ કરતી આંતરરાજ્ય મેવાતી ગેંગના ૧૫ સભ્યોની ટોળકીને રાજકોટ એલસીબી પોલીસે ઝડપી પાડી છે.

આ ટોળકી આંતરરાજ્ય ચોરી/ધાડ કરતી હતી. રાજકોટ પોલીસને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા છે. ગૃહ મંત્રી જાડેજાએ કહ્યું કે રાજ્યના નાગરિકોની સુરક્ષા એ જ અમારો નિર્ધાર છે જેમા ચોરી કરનારા તત્વોને કડક સજા થાય અને ચોરી/ધાડ અટકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં સરાહનીય કામગીરી થઇ રહી છે ત્યારે રાજકોટ એલસીબી દ્વારા કાસ્ટિંગની ચોરી/ધાડ પાડતી આંતરરાજ્ય મેવાતી ગેંગના ૧૫ સભ્યોની ગેંગને પકડી પાડવામાં આવી તે અભિનંદનને પાત્ર છે.

આ આંતરરાજ્ય મેવાતી ગેંગ દ્વારા ૧૦ રાજ્યોમાં ચોરી કરી હોવાની કબૂલાત પણ આ ગેંગના સભ્યોએ આપી છે. આ તમામ સભ્યો સામે ચોરી નહીં પણ ધાડપાડુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ ગેંગની ધાડ માટેની સ્ટ્રેટર્જી એવી હતી કે કોઈ પણ ખાનગી કે સરકારી કામ ચાલતું હોય ત્યાં ટ્રક દ્વારા કાસ્ટિંગની પાઇપોની ચોરી કરવામાં આવતી હતી એટલે કોઈને ખ્યાલ જ ન આવે કે આ લોકો ચોરી કરી રહ્યાં છે કે માલ સામાન ભરવા કે ઉતારવા આવ્યા છે. પરંતુ રાજકોટ એલસીબી પોલીસની ચપળતાના કારણે આ ભેદ ઉકેલી લેવાયો છે અને આ ગેંગ પાસેથી રૂ.૪૫.૩૩ લાખનો ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૬ ઓગસ્ટના રોજ એલસીબી રાજકોટને બાતમી મળી હતી કે આંતરરાજ્ય ગુનાઓ આચરતી ગેંગના ૧૫ સભ્યો ઘાતક હથિયારો સાથે ધાડ કરવાના છે આ ગેંગને રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પરથી પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધીને તમામની અટકાયત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ  મોટેભાગે રાજસ્થાન અને હરિયાણાના છે. તપાસ દરમિયાન ૧૪ ગુનાઓની કબુલાત કરી છે અને ચાર ગુનાઓ ડિટેક્ટ થયા છે.

(9:58 pm IST)