Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રા.લો.સંઘમાં ઢાંકેચા જુથે ડી.કે., બોઘરા, ભાનુભાઇની નિમણૂક કરાવી અને રૈયાણી જુથે સ્થગિત કરાવી

ચેરમેનની ચૂંટણી પૂર્વ બે જુથો વચ્ચેની લડાઇ ચરમસીમાએ

રાજકોટ, તા.,૭: સહકારી ક્ષેત્રની માતબર સંસ્થા રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી માટે ટુંક સમયમાં કાર્યક્રમ જાહેર થવા પાત્ર છે તે પુર્વે ભાજપના નીતિન ઢાંકેચા જુથે ૩ અગ્રણીઓની સંઘમાં સરકાર દ્વારા નિમણુંક કરાવેલ. તે નિમણુંકો સામે અરવિંદ રૈયાણી જુથે ગણતરીની કલાકોમાં સ્ટે મેળવી લેતા સહકારી ક્ષેત્રે ચકચાર જાગી છે. બંન્ને જુથો તરફથી મામલો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સુધી પહોંચાડવામાં આવ્યો છે. ઢાંકેચા જુથે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા અને ભરત બોઘરાની રા.લો.સંઘમાં નિમણુંક કરાવેલ.  સહકારી મંડળીઓના રજીસ્ટારના આ હુકમ સામે વિભાગના નાયબ સચિવ સમક્ષ અરવિંદ રૈયાણીએ અપીલ કરી કામચલાઉ મનાઇ હુકમ મેળવેલ છે. તેની આગળની સુનાવણી ૨૪ ઓકટોબરે યોજવાનું નક્કી થયું છે.

રા.લો.સંઘમાં ઉમેદવારી કરતા પુર્વે બંન્ને જુથો વચ્ચે સમાધાન થયેલ. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી મીનીટોમાં સમાધાન હચમચી ગયેલ. સમાધાન છતા ૩ બેઠકોમાં ચુંટણી કરવી પડેલ. તે ત્રણેય બેઠકો ઢાંકેચા જુથના ભાગે આવેલ. બેંકમાંથી વિજય સખીયાની નિમણુંક થઇ છે. હવે લડાઇ સુકાની પદ માટે છે. અત્યારે સંખ્યાબળની દ્રષ્ટિએ બંન્ને જુથ લગોલગ ગણાય છે.સરકાર નિયુકત પ્રતિનિધિઓ ચેરમેનની ચુંટણી માટે મતદાન કરી શકે કે નહિ? તે બાબતે વિભિન્ન મત પ્રવર્તે છે  પરંતુ ભવિષ્યમાં અનુકુળ વહીવટી નિર્ણયો લેવામાં ૩ સરકારી સભ્યો ઉપયોગી થાય તે દ્રષ્ટિથી ઢાંકેચા જુથે પસંદગીના ૩ આગેવાનોની નિમણુંક કરાવેલ. હરીફ જુથના સુકાની અરવિંદ રૈયાણીએ તેને કાયદાકીય રીતે પડકારી નિમણુક સામે સરકારમાંથી કામચલાઉ  સ્ટે મેળવેલ છે.

હાલ સંઘનું નવુ ચુંટાયેલુ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું નથી. સરકારને ભલામણ કરવા માટે બોર્ડમાં ઠરાવ થયેલ નથી. ભરત બોઘરા સંઘના કાર્યક્ષેત્ર બહારના છે ત્રણ પૈકી એકેય સંઘના ડાયરેકટર બનવા માટે પેટા નિયમ મુજબ લાયકાત ધરાવતા નથી વગેરે પ્રકારની દલીલો રૈયાણી દ્વારા કરવામાં આવેલ તેના આધારે મનાઇ હુકમ મળ્યો છે.

ભાજપ સરકારમાં ભાજપના જ બે જુથો પોતાની પસંદગી મુજબનો નિર્ણય કરાવી આવ્યા અને સમાધાન દિલનુ નહિ દિમાગનું હતુ તેવી છાપ દ્રઢ કરે છે. સરકારના જ આ પ્રકારના હુકમોએ કાર્યકરોમાં અને સહકારી ક્ષેત્રોમાં આશ્ચર્ય સાથે  ચર્ચા જગાવી છે. સ્થાનિક અને ઉપર કક્ષાએ કોણ કોની સાથે ? તે કળવુ મુશ્કેલ થઇ ગયું છે.

મનસુખ સરધારાનું ફોર્મ રદ કરાવવાનો મુદ્દો ટ્રીબ્યુનલમાં

ઉમેદવારી માન્ય રાખવાના ચુંટણી અધિકારીના નિર્ણય સામે અપીલ

રાજકોટ : રા.લો.સંઘના નીતિન ઢાંકેચા જુથના ઉમેદવાર મનસુખ સરધારા મંડળીમાં મંત્રી તરીકે હોવાથી ચુંટણી લડી શકે નહિ તેવો વાંધો મુકેશ તોગડિયાએ ઉઠાવેલ જે તે વખતે તેઓ મંત્રી તરીકે વેતન લેતા હોવાનું સાબિત ન થતા ચુંટણી અધિકારીએ વાંધો ફગાવી સરધારાનું ફોર્મ માન્ય રાખેલ  તેથી તેઓ બિનહરીફ ચુંટાઇ ગયેલ હવે ચૂંટણી અધિકારીના નિર્ણય સામે તોગડિયાએ સરધારાને હટાવવા ટ્રીબ્યુનલમાં (સહકારી ન્યાય પંચ) અરજી કર્યાનું જાણવા મળે છે તેની આવતીકાલે સુનાવણી થવાની શકયતા છે.

(3:18 pm IST)