Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રેલનગર લોર્ડ ક્રિષ્ના સોસાયટી અને ઘનશ્યામ રેસિડેન્સીમાં બે મકાનમાં ૧.૩૩ લાખની ચોરી

મનોજ ખુંધાણીના પરિવારના ઉપરના માળનો દરવાજો બહારથી બંધ કરી નીચેના ઘરમાં અને પારસભાઇ તેરૈયાના ઉપરના માળના રૂમમાંથી હાથફેરો

રાજકોટ તા. ૭: તસ્કરોએ રેલનગરમાં એક સાથે બે મકાનમાં હાથફેરો થયો હતો. તો કુવાડવા જીઆઇડીસીમાં ફેકટરીમાંથી અને નાના મવા રોડ શાસ્ત્રીનગરમાં બંધ કરમાંથી ચોરી થઇ છે. કુલ ત્રણ બનાવમાં ૭ લાખ ૮૯ હજારની માલમત્તા ગઇ છે.

એક બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર લોર્ડ ક્રિષ્ના સોસાયટી-૩ બ્લોક નં. ૮૮માં રહેતાં અને બસ સ્ટેશન પાછળ કોૈશલ એન્ટરપ્રાઇઝમાં સેલ્સમેન તરીકે નોકરી કરતાં મનોજ ઠાકરદાસ ખુંધાણી (ઉ.વ.૨૧) નામના સિંધી યુવાનની ફરિયાદ પરથી અજાણ્યા સામે ચોરીનો ગુનો નોંધ્યો છે.

મનોજના કહેવા મુજબ તે તેના ભાઇ, બહેન અને માતા લક્ષ્મીબેન સાથે રહે છે. શનિવારે પાંચમીએ મોડી રાતે સાડા અગિયારેક વાગ્યે ઘરના સભ્યો જમીને ઉપરના માળે સુતા હતાં. રવિવારે સવારે સાડા છએક વાગ્યે તે જાગ્યો ત્યારે માતાએ કહેલ કે ઉપરના માળનો દરવાજો બહારથી કોઇએ બંધ કરી દીધો હતો. રાત્રીના ત્રણેક વાગ્યે તેઓ લઘુશંકા કરવા માટે ઉઠ્યા ત્યારે તેમને ખબર પડી હતી. તેમણે પડોશી દેવાંશભાઇને બૂમ પાડતાં તેણે આવી બહારથી બંધ કરાયેલી સ્ટોપર ખોલી હતી.

નીચેના રૂમમાં જઇને જોતાં તાળા નકુચા તૂટેલા દેખાયા હતાં. કબાટમાંથી રૂ. ૯૦ હજાર રોકડા તથા સોનાની વીંટી, બુટી, ચાંદીના સિક્કા, ચાંદીની ગાય મળી કુલ રૂ. ૧,૧૭,૦૦૦ની ચોરી થયાની ખબર પડી હતી.

તપાસ કરતાં પાછળની શેરીમાં રહેતાં  ઘનશ્યામ રેસિડેન્સી બ્લોક સી-૩૪માં રહેતાં પારસભાઇ મધુકાંતભાઇ તેરૈયાના ઘરમાં પણ ઉપરના માળના રૂમના તળા નકુચા તોડી રૂ. ૧૬,૫૦૦ની મત્તાની ચોરી થયાની ખબર પડી હતી. આમ કુલ બે મકાનમાંથી રૂ. ૧,૩૩,૫૦૦ની ચોરી થઇ હતી. પ્ર.નગરના હેડકોન્સ. વી. બી. રાજપુત અને રામજીભાઇ પટેલે ગુનો નોંધતાં પીએસઆઇ બી. વી. બોરીસાગરે વધુ તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)