Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પાટીદાર અગ્રણીઓની આજે બેઠક ?

નવા સમીકરણો સર્જાઇ રહયા છે ? કોર્પોરેટરના રાજીનામાના પગલે અચાનક નવી હિલચાલના નિર્દેશ

રાજકોટઃ તાજેતરમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવી ગયેલા ભાજપના નવા તજતર્રાટ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે જૂથબંધી બંધ કરવા હાકલ કરી હતી. દરમિયાન રાજકોટ ભાજપમાં જૂથવાદ વકરે તેવી હિલચાલ શરૂ થયાના અહેવાલો મળે છે. તાજેતરમાં જ હાર્દિક પટેલ- અશોક ડાંગર-મહેશ રાજપુત વિ.ની હાજરીમાં ભાજપના મહિલા કોર્પોરેટરે ભગવો ખેસ ત્યજી કોંગ્રેસનો 'પંજો' પસંદ કર્યો હતો.

મળતી વિગતો મુજબ સરદાર ધામ (નાનામવા સર્કલ-મારવાડી કોમ્પલેક્ષ સામે) ખાતે સ્થાનીક કડવા અને લેઉવા પાટીદાર આગેવાનો મળી રહયા છે.

મળતી વિગતો મુજબ સરદાર ધામ ખાતેની  ઓફીસમાં ભાજપના શ્રી જયંતિભાઇ સરધારાએ શહેરના ૪૦-૫૦ કડવા-લેઉવા પટેલ આગેવાનોને આમંત્રણ પાઠવ્યું છે. જયંતિભાઇનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો તો મળી શકયા ન હતા.

ઉપલાકાંઠાના નિમંત્રણો-સંપર્કની જવાબદારી શ્રી વલ્લભભાઇ દુધાત્રાને સોંપાયાનું જાણવા મળે છે. તમામ અગ્રણીઓને એક પછી એક ફોન થઇ રહયા છે. જુના બધા લોકો આજે બપોરે ૩ાા પછી સરદાર ધામ નાના મવા સર્કલ ખાતેની મિટીંગમાં મળી રહયાનું જાણવા મળે છે. ઉપલાકાંઠાના ભાજપના લગભગ જુના જોગી હાજરી આપશે.

પાટીદારોને પક્ષમાં હોદા મળવામાં કંઇક ઓછપ આવી છે તે સંદર્ભે કદાચ નવુ જુથ કે ગ્રુપ કે ફોરમ રચાય તો નવાઇ નહિ. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેઓ મળી શકયા ન હતા. તેઓ ૩/૪ દિવસથી માંદા હોવાનું કોવિદ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ હોવાથી સારવાર લઇ રહયાનું જાણવા મળે છે.

ધારાસભ્ય લાખાભાઇનો પણ સંપર્ક કરવા પ્રયાસ કરેલ પણ મળ્યા નથી. આ બેઠક માટે સામા કાંઠાના પૂર્વ કોર્પોરેટરો વલ્લભભાઇ દુધાત્રા, રસિકભાઇ પટેલ, સુરેશભાઇ રૈયાણી ઉપરાંત અશોકભાઇ લુણાગરીયા સહિતના અગ્રણીઓને સુચના મળ્યાનું કહેવાય છે. વલ્લભભાઇ દુધાત્રા પણ હોસ્પિટલમાં હોવાથી સંપર્ક થયો નથી.

સામા કાંઠાના ધારાસભ્ય શ્રી અરવિંદ રૈયાણીનો સંપર્ક સાધતા તેઓ પણ મળી શકયા ન હતા પણ તેમની નજીકના વર્તુળો કહે છે. પક્ષની સામે કોઇ સંગઠન થતુ હોય તો તેમાં અમે સાથે નથી. આ બેઠકમાં અમને આમંત્રણ નથી, જવાના પણ નથી.

ભાજપમાં પક્ષીય સ્તરે સરકારે સ્તરે પાટીદારોને વધુ મહત્વ માટે તેવી પણ એક બીન સતાવાર ચર્ચા છે.

શ્રી ગોવિંદભાઇ તાજેતરમાં પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાથે ખોડલધામથી રાજકોટ સુધી વાહનમાં રહયા હતા. તેની પણ ખુબ ચર્ચા છે.  દરમિયાન ધારાસભ્ય શ્રી  લાખાભાઇ પરમારની નજીકના વર્ર્તુળોએ પણ આવી કોઇ બેઠકમાં જોડાવાના હોવાની કે આમંત્રણ મળ્યા અંગે ઇન્કાર કર્યો છે.

શ્રી જયંતિભાઇ સરધારા સંભવતઃ અંગતદાવે આ મિટીંગ બોલાવી રહયાની પણ સંભાવના છે. શહેર ભાજપમાં આ બાબત ભારે ચર્ચામાં છે.

(3:51 pm IST)