Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટથી મુંબઇ ૧૦ સપ્ટેમ્બરથી સ્પાઇસ જેટની રોજીંદી ફલાઇટઃ લોકોને રાહતઃ બુકીંગ શરૂ

સવારે ૬.૪૦ વાગ્યે મુંબઇથી ઉપડીને ૮ વાગ્યે રાજકોટ આવશે : રાજકોટથી ૮.૩૦ વાગ્યે ઉપડશે : હાલમાં અઠવાડીયામાં ત્રણ વખત એરઇન્ડિયાની ફલાઇટ રાજકોટથી સાંજે ૭.૨૦ વાગ્યે મુંબઇ માટે ચાલુ જ છે.

રાજકોટ, તા.૭: કોરોના કહેર વચ્ચે સતત લોકડાઉન પછી ધીમે-ધીમે બધું જ અનલોક થઇ રહ્યુ છે ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટથી મુંબઇ ૧૦ સપ્ટેમ્બરથી સ્પાઇસ જેટની ડેઇલી ફલાઇટ શરૂ થવા જઇ રહી છે.

મુંબઇ-રાજકોટ-મુંબઇ રોજીંદી ફલાઇટ શરૂ તાં બાયએર જવા માંગતા લોકોને રાહત થઇ છે.

સ્પાઇસ જેટની જે ફલાઇટ શરૂ થઇ રહી છે તે રોજ સવારે ૬.૪૦ વાગ્યે મુંબઇથી ઉપડીને ૮ વાગ્યે રાજકોટ આવશે. ત્યારબાદ ૮.૩૦ વાગ્યે રાજકોટથી ઉપડીને તે જ દિવસે સવારે ૯.૪૦ વાગ્યે મુંબઇ પહોંચશે. હાલમાં સ્પાઇસ જેટની રોજ એક ફલાઇટનું શેડયુલ મૂકાયું છે. પ્રથમ રોજીંદી બે ફલાઇટ (સવાર-સાંજ)નું શેડયુલ મૂકાયું હોવાનુ જાણવા મળે છે. પરંતુ પછીથી ફરી એક જ ફલાઇટ હોવાનું અને તેનું બુકીંગ શરૂ થઇ ગયું હોવાનું ટ્રાવેલ માર્કેટના સૂત્રો કહી રહ્યા છે.

હાલમાં અઠવાડીયામાં મંગળ-ગુરૂ-શનિ એમ ત્રણ વખત રાજકોટથી મુંબઇ સાંજે ૭.૨૦ વાગ્યે એર ઇન્ડિયાની ફલાઇટ જઇ રહી છે. જે ફલાઇટ મુંબઇથી બુધ-શુક્ર-સોમ એમ ત્રણ દિવસ મુંબઇથી સાંજે ૭.૨૦ વાગ્યે રાજકોટ આવે છે. છતાં પણ બુકીંગ કરાવતા પહેલા તમામ ફલાઇટના લેટેસ્ટ શેડયુલ જાણી લેવા હિતાવહ છે.

અનલોકની પ્રક્રિયા શરૂ થતાં વેપાર-ધંધા-ઉદ્યોગો-સમાજજીવન વિગેરે ધમધમતા થતા જયા છે ત્યારે રાજકોટ-મુંબઇ વચ્ચે ખુબ મોટો આર્થિક -સામાજિક વ્યવહાર વર્ષોથી થતો આવ્યો છે તે પુનઃ સ્થાપિત થઇ રહ્યો છે.

(3:09 pm IST)