Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રપ લાખના ચેકો રિટર્ન થતાં અભી કેટરર્સના માલીક સામે કોર્ટમાં ત્રણ ફરીયાદઃ હાજર થવા સમન્સ

રાજકોટ તા. ૭: રાજકોટના ખ્યાતનામ અભી કેટરર્સના માલીક અમીતભાઇ હસમુખભાઇ મેર વિરૂધ્ધ કુલ રૂપિયા રપ લાખના ૩ ચેક રીર્ટનના કેસ કોર્ટમાં ફરીયાદ થતાં અમીતભાઇ હસમુખભાઇ મેરને હાજર થવા સમન્સ કાઢવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કામે ફરીયાદની હકીકત એવી છે કે, રાજકોટ સ્થીત નાણા ધીરધારનો વ્યવસાય કરતા અર્જુનભાઇ પંકજભાઇ છાંટબારએ અભી કેટરર્સના અમીતભાઇને આજથી આશરે છ વર્ષ પહેલા ધંધાના કામે નાણાની જરૂરીયાત ઉત્પન્ન થતાં તેમણે શરાફી વ્યાજે નાણા મેળવવા વાત કરેલ અને બન્ને એકબીજાથી પરીચીત હોય જ્ઞાતીબંધુ હોય, તેમજ અમીતભાઇ રાજકોટની ખ્યાતનામ અભી કેટરર્સના નામની પેઢી ધરાવતા હોય જેથી અર્જુનભાઇએ તેમની ઉપર વિશ્વાસ કરી તેમને શરાફી વ્યાજે તા. ૯/૧૦/ર૦૧૪ના રોજ રૂ. ૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દશ લાખ પુરા બેંક ટ્રાન્સફરથી રાજકોટ મુકામે આપેલ હતા, ત્યારબાદ તા. ૧૩/૧૦/ર૦૧૪ના રોજ બીજા રૂ. ૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દશ લાખ પુરા બેંક ટ્રાન્સફરથી રાજકોટ મુકામે આપેલ હતા, ત્યારબાદ તા. ર૦/૧૦/ર૦૧૪ના રોજ રૂ. પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા બેંક ટ્રાન્સફરથી રાજકોટ મુકામે આપેલ હતા, જે આ અમીતભાઇ મેર એક બે વર્ષમાં પરત ચુકવી આપીશ અને ત્યાં સુધી નિયમીત અર્જુનભાઇની પેઢીને તેનું શરાફી વ્યાજ ચુકવીશ તેવું વચન આપેલ હતું.

આ પૈકી અમીતભાઇ મેર એ રૂ. પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા મુદલના તા. ૭/૩/ર૦૧પના રોજ અર્જુનભાઇને પરત કરેલ હતા અને બાકીની રકમનું ત્યારબાદથી લઇને તા. ૩૧/૦૮/ર૦૧૬ સુધીનું વ્યાજ ચુકવેલ હતું અને ત્યારપછીનું તેમણે અર્જુનભાઇને કોઇ વ્યાજ ચુકવેલ નથી કે મુદલ રકમ પરત કરેલ નથી કે મુદલ રકમ પરત કરવા દરકાર કરેલ નથી, ત્યારબાદ છેલ્લા ૪ વર્ષોથી તેમની સાથે અર્જુનભાઇને જ્ઞાતીબંધુ તરીકેના સબંધો હોય સદરહું રકમ ચુકવવા માટે અમીતભાઇ મુદતો આપતા રહેલ, પરંતુ કોઇ રકમ જમા કરાવેલ નથી.

છેલ્લે અર્જુનભાઇએ અમીતભાઇ મેર પાસે મુદલ તથા વ્યાજની રકમ પરત માંગતા આ કામના અમીતભાઇએ અર્જુનભાઇને તા. ૩૧/પ/ર૦ર૦ સુધીની કુ઼લ લેણી રકમ રૂ. ૩૭,ર૯,૪૧૧/- અંકે રૂપિયા સાડત્રીસ લાખ ઓગણત્રીસ હજાર ચારસો અગીયાર પુરા પેટે દશ લાખના બે અને પાંચ લાખનો એક ચેક મળી કુલ રપ લાખના ચેક આપેલ હતા જે અર્જુનભાઇએ તેમના ખાતામાં જમા કરાવતાં ચેક રીર્ટન થતા અર્જુનભાઇએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે, જે કેસ દાખલ થતાં કોર્ટ દ્વારા આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે વકીલ શ્રી સંજય જે. જોષી રોકાયેલ છે.

(3:21 pm IST)