Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જુના સ્ટોન કિલર મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ પ્રજાપતિની હત્યા

દારૂ પીવાની વેંચવાની ટેવ ધરાવતા મણીનગરના શખ્સની મવડીપ્લોટ નવરંગપરામાં અંજલી બોકસ નામના કારખાનાની છત પરથી દૂર્ગંધ મારતી લાશ મળી :અગાઉ બાદલ ઉર્ફ ભૈયા સાથે મળી પથ્થરો ફટકારી ૩ ભિક્ષુકોની હત્યા કરી હતીઃ બે-ત્રણ દિવસ પહેલા હત્યા થયાની શકયતાઃ પથ્થર ફટકારી હત્યાની શકયતાઃ ભેદ ઉકેલવા માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોની દોડધામઃ છ જેટલા શકમંદોને ઉઠાવી પુછતાછ : મહેશને ભિક્ષુકોને રાજકોટમાં રહેવા જ ન દેવા હોઇ સાગ્રીત સાથે મળી હત્યાઓ કરતો હતો : ૨૦૦૯માં થોરાળા વિસ્તારમાં બે અને એ-ડિવીઝન વિસ્તારમાં એક હત્યા કરી'તીઃ ત્યારે હાલના ભકિતનગર એએસઆઇ ફિરોઝભાઇ શેખએ મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ પ્રજાપતિ અને સાગ્રીત બાદલને દબોચ્યા હતાં

કાળુની ક્રુર હત્યા :  જ્યાંથી લાશ મળી તે કારખાનુ, મહેશ ઉર્ફ કાળુ ઉર્ફ હરેશ પ્રજાપતિની કોહવાયેલી લાશ, ઘટના સ્થળે પીઆઇ એન. કે. ભુંકણ, પીએસઆઇ વી.કે. ઝાલા અને ટીમ તથા મૃતદેહ લઇ જવાયો તે દ્રશ્ય અને ઘટના સ્થળેથી મળેલા બૂટ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: શહેરના મવડી પ્લોટ નવરંગપરામાં આવેલા એક કારખાનાની અગાસી પરથી જુના સ્ટોન કિલર મણીનગરના મહેશ ઉર્ફ કાળુ ઉર્ફ હરેશ મગનભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૦)ની પથ્થર ફટકારી હત્યા કરાયેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. દારૂ પીવાને અને વેંચવાની ટેવ ધરાવતાં તેમજ અગાઉ ત્રણ હત્યા સહિતના ગુનામાં સંડોવાઇ ચુકેલા આ રીઢા શખ્સની હત્યા દારૂના કારણે થયાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેની સાથે ઉઠ-બેસ ધરાવતાં પાંચ-સાત શકમંદોને પોલીસે ઉઠાવી લઇ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ નવરંગપરા મવડી પ્લોટ-૪ના ખુણે પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં  અંજલી બોકસ વર્કસ નામના વિપુલભાઇના કારખાનાની અગાસી પરથી આજે બપોરે દૂર્ગંધ આવતી હોઇ લોકોએ તપાસ કરતાં એક શખ્સની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ જોવા મળતાં અને બાજુમાં પથ્થર પડ્યો હોઇ હત્યા થયાની શંકા ઉપજતાં પોલીસને જાણ કરવામાં આવતાં માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ ભેટારીયા, ભાવીનભાઇ ગઢવી, ભાવેશભાઇ તેમજ ક્રાઇમ બ્રાંચના એભલભાઇ બરાલીયા, દિગપાલસિંહ, મયુરભાઇ મિંયાત્રા, યુવરાજસિંહ, હરપાલસિંહ, રોહિતભાઇ, મહેશભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

પ્રારંભે હત્યાનો ભોગ બનનાર અજાણ્યો પુરૂષ હોવાની નોંધ થઇ હતી. વિશેષ તપાસ થતાં આ શખ્સ જુના સ્ટોન કિલર તરીકે ઓળખાતો અને નવરંગપરા મણીનગરમાં રહેતો મહેશ ઉર્ફ કાળુ ઉર્ફ હરેશ મગનભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૪) હોવાનું ખુલતાં પોલીસે તેના સ્વજનોને શોધી લાશની ઓળખ કરાવવા તજવીજ આદરી હતી. હત્યા પથ્થર ફટકારીને કરવામાં આવ્યાની શકયતા છે. જો કે બનાવ બે-ત્રણ દિવસ પહેલા બન્યાનું જણાય છે. કેમ કે લાશ કોહવાઇ ગઇ છે અને અત્યંત દૂર્ગંધયુકત થઇ ગઇ છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૦૯માં મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ પ્રજાપતિએ સાગ્રીત બાદલ ઉર્ફ ભૈયા સાથે મળીને ત્રણ ભિક્ષુકોને ભરઉંઘમાં પથ્થરો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. કોઇપણ ભિક્ષુક રાજકોટમાં રહેવા જ જોઇએ તેવું તે ઇચ્છતો હોઇ જેથી તેણે તે વખતે થોરાળા પોલીસની હદમાં આ રીતે બે ભિક્ષુકને અને એ-ડિવીઝન પોલીસની હદમાં એક ભિક્ષુકની પથ્થર ફટકારી હત્યા કરી હતી. તે વખતે સતત ત્રણ ત્રણ હત્યાનો પથ્થર ફટકારીને કરવામાં આવી હોઇ સ્ટોન કિલરને પકડવા પોલીસે સતત દોડધામ કરી હતી.

એ વખતે હાલમાં ભકિતનગર ડી. સ્ટાફમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં  ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ થોરાળા ડી. સ્ટાફમાં કોન્સ્ટેબલ હતાં. તેમને મળેલી ચોક્કસ બાતમી પરથી તે વખતના સ્ટોન કિલર મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ પ્રજાપતિને ગોંડલ યાર્ડ પાસેથી પકડી લેવાયો હતો. સાગ્રીત બાદલ ઉર્ફ દવે પણ પકડાયો હતો. મહેશે ત્યારે કબુલ્યું હતું કે ભિક્ષુકોને રાજકોટમાં રહેવા દેવા ન હોઇ જેથી તે તક શોધી આવા ભિક્ષુકોને શોધી-શોધીને મારવાનો હતો. ત્રણની હત્યા કરી હતી અને બીજી હત્યાઓ પણ કરવાનો હતો. જો કે એ પહેલા પકડી લેવાયો હતો. તેના સાગ્રીત બાદલનું અગાઉ મૃત્યુ થઇ ચુકયાનું કહેવાય છે.

હત્યાનો ભોગ બનેલો મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ જે રીતે હત્યા કરતો હતો એ રીતે તેની પણ પથ્થરથી હત્યા થયાનું કહેવાય છે. જો કે મોત કઇ રીતે થયું તે જાણવા પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ આગળ કાર્યવાહી કરશે. હત્યાનો ભોગ બનનાર હાલ એકલો રહેતો હોવાની માહિતી મળી છે. તે હાલ નવરંગપરા મણીનગર આસપાસ રહેતો હોઇ તેના સગાને શોધવા મથામણ થઇ રહી છે. દારૂની મહેફીલમાં હત્યા થઇ કે અન્ય કારણે? તે અંગે તપાસ હાથ ધરાઇ છે. તેની સાથે ઉઠતા-બેસતા કેટલાકને માલવીયાનગર પોલીસે ઉઠાવી લીધા છે. ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની આશા છે.

(3:51 pm IST)