Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કાલે પંચાયતની સામાન્ય સભા : રસ્તા-ઓડીટનો મુદ્દો ગાજશે : હવે વર્ક ઓર્ડરના પ્રિ.ઓડીટના બદલે 'ચેક લિસ્ટ'

પ્રશ્નોત્તરી છે નહિ પણ સળગતા મુદ્દા અંગે તંત્રને ભીડવવા સભ્યોની પૂર્વ તૈયારી

રાજકોટ, તા., ૭: જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આવતીકાલે સવારે ૧૧.૩૦ વાગ્યે પ્રમુખ અલ્પાબેન ખાટરિયાની અધ્યક્ષતામાં મળનાર છે. પંચાયતની સામાન્ય ચુંટણી સમયસર આવે તો કદાચ તે પુર્વેની આ છેલ્લી સામાન્ય સભા બની રહેશે. પ્રશ્નો પુછવાની જરૂરીયાત અને અનુકુળતા હોવા  છતા પ્રમુખે પ્રશ્નોતરીનો છેદ ઉડાડવા ખાસ સામાન્ય સભા યોજવાનું યોગ્ય ગણ્યું છે. પ્રશ્નોતરી નથી પરંતુ આરોગ્ય સેવા, પ્રિઓડીટ, બિસ્માર રસ્તા વગેરે પ્રશ્ને અમુક સભ્યો વહીવટી તંત્રને ભીડવવા પુર્વ તૈયારી કરી રહયાના વાવડ છે.

 પ્રિઓડીટ બાબતે વિવાદ થતા જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ વર્ક ઓડરના પ્રિઓડીટને બદલે ચેકલીસ્ટ ભરવાની પ્રથા દાખલ કરાવી છે. અગાઉ વર્ક ઓડર અને બીલ બંન્નેનું પ્રિઓડીટ થતું પરંતુ તેના કારણે પંચાયતના કામમાં વિલંબ થતો હોવાની રજુઆત તાલુકા વહીવટી તંત્રકક્ષાએથી આવતા ડીડીઓએ વર્કઓડરનું પ્રિઓડીટ બંધ કરાવેલ. હવે વર્કઓર્ડરનું પ્રિઓડીટ થતું તેના બદલે વર્કઓડર સાથે ચેકલીસ્ટ ભરી પધ્ધતીમાં સુધારો કરવામાં આવ્યો છે. જો કે ડીડીઓના પરીપત્ર બાબતે અમુક સભ્યો અભ્યાસ કરી તેનો વિરોધ કરી રહયા છે. સરકારના પરીપત્ર ઉપર પંચાયતના અધિકારી તેનાથી વિપરીત પરીપત્ર કરી શકે નહી તેવું અભ્યાસ કરનારા સભ્યોનું કહેવું છે. કાલની સામાન્ય સભામાં આ મુદે ગાજે તેવી શકયતા છે.

જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. લોકોની વેદનાને વાચા આપવા માટે સભ્યો  તૈયારી કરી રહયા છે. ઉપરાંત આરોગ્યને લગતી બાબતો પણ ચર્ચામાં આવે તેવી સંભાવના છે. કેટલીક વહીવટી બાબતોને મંજુરી આપવામાં આવશે. પ્રમુખ સ્થાનેથી કોઇ મહત્વનો ઠરાવ આવે તેવા અત્યારના સંજોગો જણાતા નથી. મોટા ભાગના સભ્યો મુદત પુરી થઇ રહી હોવાથી કાલની સામાન્ય સભા શાંતિપુર્ણ પસાર કરાવાના મતના છે.

(3:55 pm IST)