Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મિલકત વેરાની ૨૦૧ કરોડની આવક

મનપાની તિજોરી છલોછલ... : વેરા શાખાને વર્ષ ૨૦૨૨-૨૩ના ૩૪૦ કરોડના લક્ષ્યાંકમાં ૧૩૯ કરોડનું છેટુ : ૩.૪ લાખ કરદાતાઓએ વેરો ભરપાઇ કર્યો : ૧.૮૨ લાખ શહેરીજનોએ ઓનલાઇન પેમેન્‍ટ કર્યું

રાજકોટ તા. ૬ : મ્‍યુનિ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાને મિલકત વેરા પેટે આજદીન સુધીમાં ૩.૪ લાખ કરદાતાઓએ ૨૦૧ કરોડની આવકથી તિજોરી છલકાવી દીધી છે.

આ અંગે વેરા શાખાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ૧ એપ્રિલ ૨૦૨૨ થી ૬ ઓકટો. ૨૦૨૨ સુધીમાં ૩.૪ લાખ કરદાતાઓએ રૂા. ૨૦૧ કરોડનો મિલકત વેરો ભરપાઇ કર્યો છે. વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૩માં ૩૪૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે. માત્ર ૬ મહિનામાં ૨૦૦ કરોડની આવક થતાં હવે લક્ષ્યાંકમાં ૧૩૯ કરોડનું છેટુ રહ્યું છે.

મનપા તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એડવાન્‍સ વેરો ભરનાર અને ઓનલાઇનથી વેરો ભરનાર મિલકત ધારકોને વિશેષ વળતર આપવામાં આવ્‍યું હતું. જેનો લાખો કરદાતાઓએ લાભ લીધો હતો. આ વર્ષે એડવાન્‍સ વળતર યોજનાની આવક સૌથી વધુ થવા પામી હતી.

તંત્ર દ્વારા ઓનલાઇનથી વેરો ભરનાર શહેરીજનોને ૧% વધુ વળતર આપવામાં આવે છે. આજના સમયમાં ઓનલાઇનનો સુવિધાનો વ્‍યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે ત્‍યારે ૧,૮૨,૫૧૭ શહેરીજનોએ રૂા. ૧૦૪ કરોડનો મિલકત વેરો ઓનલાઇનથી ચૂકવ્‍યો હતો.

(4:05 pm IST)