Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કોઇપણ ક્ષેત્રમાં ટેલેન્‍ટ અને ધીરજ હોય તો સમય બધાનો આવે છેઃ દિવ્‍ય કુમાર

આઠ વર્ષના હતા ત્‍યારથી કલ્‍યાણજીભાઈ આણંદજીભાઈ સાથે શોમાં ગાવાનું શરૂ કર્યું હતું : દિવ્‍યકુમારજીએ હિન્‍દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, તમીલ, રાજસ્‍થાની, કન્નડ, બંગાળી, તેલુગુ સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા છે : જે સંગીત સાંભળ્‍યું અને જે અપનાવ્‍યું એ અમારૂં ઘરાનું બની ગયું છે : નવરાત્રી મારા માટે ખૂબ જ ખાસ હોય છે કારણ કે તેની પોઝિટિવ અનુભૂતિ મારા માટે ખૂબ જ મહત્‍વ રાખે છે : જૂના જમાનામાં ખૂબ જ ધીરજ સાથે સંગીત બનતું જયારે આજના સમયમાં ધીરજ જ નથી જેથી ગીત પણ એવી રીતે જ બની જાય છેઃ આજે જમાનો ખૂબ જ ફાસ્‍ટ થઈ ગયો છે આજના ગીતો ફાસ્‍ટ ફૂડની જેમ બની રહ્યા છે

રાજકોટઃ ફિલ્‍મ ઇશકજાદે નું ગીત ‘પરેશાન', કાઇપો છે નું ‘હે શુભારંભ હો શુભારંભ મંગલ બેલા આઇ', ભાગ મિલ્‍ખા ભાગનું ‘ઝિંદા', રોકસ્‍ટારનું ‘કૂન ફાયા કૂન', બદલાપુરનું ‘જી કરદા'.... વગેરે અનેક ગીતોને જેમણે કંઠ આપ્‍યો છે તે યુવા ગાયક દિવ્‍ય કુમારજી અકિલાના મહેમાન બન્‍યા હતા અને મોરબીમાં નવરાત્રીનો કાર્યક્રમ પૂર્ણ કરી ખાસ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળવા અકિલાના આંગણે આવ્‍યા હતા. તેમણે ટુંકી મુલાકાતમાં જીવનની, સંગીતની ઘણી વાતો કરી હતી.
પ્‍લેબેક સીંગીંગમાં કઈ રીતે આવવાનું થયું? દિવ્‍ય કુમારજીએ જણાવ્‍યું હતું કે મારો આખો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે. મારા દાદા પંડિત શિવરામજી નો જન્‍મ રાજસ્‍થાનમાં થયો હતો તેઓ વી.શાંતારામની ફિલ્‍મોમાં સંગીતકાર તરીકે સંગીત આપતા હતા. મારા પરિવારમાં મારા પિતાજી, મારા કાકા સહિત બધા જ સંગીતકારો છે જેમણે બોલિવુડમાં ૪૦ થી ૫૦ વર્ષ કામ કર્યું છે. એટલે મારો જન્‍મ જ સંગીત ની વચ્‍ચે થયો છે અને અહીંથી જ મારી સંગીતમય શરૂઆત થઇ હતી. જયારે હું આઠ વર્ષનો હતો ત્‍યારે કલ્‍યાણજીભાઈ આણંદજીભાઈ સાથે બાળકોના શોમાં ગાવાનું શરૂ કર્યું હતું. એ પછી આગળ જતા મ્‍યુઝિક પ્રોગ્રામ અને જયારે તક મળી ત્‍યારે સંગીતકાર અમિત ત્રિવેદી એ મને ફિલ્‍મોમાં ગાવાની પહેલી તક આપી. એ ફિલ્‍મ હતી ‘ઇશકજાદે' જેમાં મારૂ ગીત હતું. એ પછી ‘શુભારંભ', ‘કાઈપો છે' વગેરે જેવી અનેક ફિલ્‍મો કરી. દિવ્‍ય કુમારજીએ જણાવ્‍યું કે મારા દાદાજી સંગીતમાં પટિયાલા ઘરાનાને અનુસરતા. જોકે અમારે એવું કોઈ ઘરાનું નથી. જે સંગીત સાંભળ્‍યું અને જે અપનાવ્‍યું એ અમારૂં ઘરાનું બની ગયું છે. દિવ્‍યકુમારજીએ હિન્‍દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, તમીલ, રાજસ્‍થાની, કન્‍નડ, બંગાળી, તેલુગુ સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા છે. ઘણી ગુજરાતી ફિલ્‍મોમાં પણ ગીતો ગાયા છે. ‘ગોરી રાધાને કાળો કાન' ગીત આજે પણ એટલુંજ પ્રખ્‍યાત છે. આ ઉપરાંત તેમણે અનેક જીંગલ્‍સ, કોક સ્‍ટુડિયો, એમટીવી અનપ્‍લગ્‍ડ, એમ.એસ.ધોની બાયોપિક વગેરે અનેક જગ્‍યાએ પોતાનો અવાજ આપ્‍યો છે.
 ગીતો ગાતી વખતે તમે તલ્લીન થઈ જાવ છો એકદમ ભાવમાં જતા રહો છો એનું કોઇ ખાસ કારણ? દિવ્‍ય કુમારજીએ જણાવ્‍યું હતું કે મારી અંદર એક ગાયક તરીકે એ ભાવ આપમેળે બહાર આવે છે અને તેમાંય નવરાત્રી મારા માટે ખૂબ જ ખાસ હોય છે. કારણ કે તેની પોઝિટિવ અનુભૂતિ મારા માટે ખૂબ જ મહત્‍વ રાખે છે. જયારે પણ હું માતાજીના ગરબા કે માતાજીની સ્‍તુતિ ગાઉં છું ત્‍યારે ક્‍યારેય એમ નથી વિચારતો કે સામે કોણ છે કે કોણ સાંભળી રહ્યું છે કે કોણ જોઇ રહ્યું છે. બસ હું માતાજીના ભાવમાં તલ્લીન થઈને મારા ગરબા, ગીતો ગાઉં છું.
પહેલાના જે ગીતો હતા મેલોડિયસ  તે આજના સમયમાં હવે નથી કે તેમાં બદલાવ આવશે કે નહીં આપને શું લાગે છે? યુવા ગાયક દિવ્‍ય કુમારજીએ જણાવ્‍યું કે, આજના મ્‍યુઝિકમાં બદલાવ  જોવા મળે છે. એ જમાનામાં ટેકનોલોજી ખૂબ જ ઓછી હતી ત્‍યારે ટેલેન્‍ટનું વધુ હોવું જરૂરી હતું. જેમ કે મારા પરિવારે લતાજી, આશાજી, રફીસાહેબ વગેરે જેવા ધુરંધર ગાયકો સાથે કામ કર્યું છે. તેમની પાસેથી જયારે હું સાંભળું છું ત્‍યારે મને લાગે છે કે આજના ગાયકો વધુ ચિંતામુક્‍ત છે, એ વસ્‍તુઓ માટે જે વસ્‍તુ માટે પહેલાના જમાનામાં ગાયકોએ વધારે તૈયારી કરવી પડતી હતી. એ જમાનામાં એક મહિનો, બે મહિના એક ગીત પાછળ તૈયારીઓ થતી અને લાઈવ સાઉન્‍ડ અને ઓર્કેસ્‍ટ્રા સાથે ગાતા હતા. કોઈ ઓટોટ્‍યુન ની કે કોઈ ટેકનીકલ વસ્‍તુઓ હતી નહીં. તેથી તમારે સાથે ગાવું પડતું હતું. આજે ઘણી બધી વસ્‍તુઓ સરળ બની ગઈ છે. એટલે ઘણા બધા લોકો ગાયક બનવાનો પ્રયત્‍ન કરે છે. જૂના જમાનામાં ખૂબ જ ધીરજ સાથે સંગીત હતું જયારે આજના સમયમાં ધીરજ જ નથી જેથી ગીત પણ એવી રીતે જ બની જાય છે. આજે ફટાફટ ગીત બન્‍યું અને કાલે રિલીઝ પણ થઈ જાય છે. એ યુગના લોકોમાં તૈયારી, સંતોષ એ બધી વસ્‍તુઓ ખૂબ જ વધુ હતી. આજે જમાનો ખૂબ જ ફાસ્‍ટ થઈ ગયો છે આજ ના ગીતો ફાસ્‍ટ ફૂડ ની જેમ બની રહ્યા છે.
 આજે નવા ગાયકો ખૂબ જ આવે છે તેમના વિશે આપ શું કહેશો? તેમણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ જેથી તેઓ આગળ આવી શકે? દિવ્‍ય કુમારજીએ જણાવ્‍યું કે, હું દરેક જગ્‍યાએ લોકોને કહેતો ફરું છું કે આજે લોકોમાં ધીરજ ખૂટી ગઈ છે. જો તમારામાં ટેલેન્‍ટ છે, ધીરજ છે તો સમય બધાનો આવે છે પછી તે કોઈ પણ ફિલ્‍ડ હોય અને ઉપરવાળો પણ એ જોતો હોય છે કે કોઈ પણ ફળની અપેક્ષા રાખ્‍યા વિના તમે કેટલી મહેનત કરો છો. બસ તમારે કામ કરવાનું છે મહેનત કર્યા કરવાની છે. સમય આવે તમને તે વસ્‍તુ મળી જશે.
આજની ભાગદોડ ભરી જીંદગીમાં અને જલ્‍દી જલ્‍દી વધુ મેળવવાની લ્‍હાયમાં આપણે આપણી કલાને નિખારવાની ભૂલી જઈએ છીએ. આજે કલાકારો એક વર્ષ કે બે વર્ષ માટે આવે છે અને પછી ખોવાઈ જાય છે. રફી સાહેબ, કિશોરકુમાર, ઉદિતનારાયણ, સોનુ નિગમ કે જેમની કારકિર્દી ૨૦ વર્ષ ૩૦ વર્ષ કે હજી પણ ચાલે છે એ બધું મેળવવા માટે અને એ લેવલ સુધી પહોંચવા ઘણી બધી વસ્‍તુઓને પાર કરી પહોંચવું પડે છે. ગ્રાઉન્‍ડ ફ્‌લોરથી સીધા દસમો માળ ચણી શકાતો નથી. દરેક માળ ચડીને મહેનત કરીને જવું પડે છે. એટલે હું કહીશ કે ધીરજ રાખીને પોતાની કલાને નીખારવાની કોશિશ કરવી જોઈએ. સંગીત એવી વસ્‍તુ છે જયાં આપણે કામ કરી અને શીખીએ છીએ. દરરોજ તમે નવું ગીત ગાઓ છો નવું સંગીત બનાવો છો દરેક વસ્‍તુ દરરોજ તમે શીખો છો એ બધી ચીજ ખૂબ જ અગત્‍યની છે.
દિવ્‍યા કુમારને હિન્‍દી સિનેમામાં પહેલો બ્રેક રામ સંપત દ્વારા ‘તુતિયા દિલ સે' માં આપવામાં આવ્‍યો હતો. ત્‍યારપછી તેણે ફિલ્‍મ કાઈ-પો-છેનું લોન્‍ચ ગીત ગાયું, જે અઠવાડિયા સુધી ચાર્ટબસ્‍ટરમાં ટોચ પર રહ્યું અને તેને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્‍યો. તે પછી તેમણે સુધ દેશી રોમાન્‍સ અને હમ્‍પ્‍ટી શર્મા કી દુલ્‍હનિયા ફિલ્‍મોમાં પોતાનો અવાજ આપ્‍યો. બંને ફિલ્‍મોમાં તેના ગીતો સુપરહિટ સાબિત થયા હતા.
મેં સંગીતમાં ખુબજ જાણીતા અને નામી કલાકારો સાથે કામ કર્યું છે મારા માતા-પિતા એ વિચાર્યું હતું કે મારો આ લોકો સાથે ભવિષ્‍યમાં કામ કરે અને તેની સાથે આજે હું કામ કરી રહ્યો છું અને તેમના એવા ઘણા બધા ગીતો છે જેનાથી મને લોકોની વચ્‍ચે ઓળખ મળી છે શંકર અહેસાન લોય સચિન જીગર એ લોકો સાથે મેં ખૂબ જ કામ કર્યું બદલાપુર એબીસીડી ટુ વગેરે ફિલ્‍મોના ગીતો મને પસંદ પડ્‍યા છે.
તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી કિરીટભાઈ ગણાત્રા સાથે દિવ્‍ય કુમાર નજરે પડે છે. તાલ- તરંગ કલબના સ્‍થાપક- સંયોજક અને બોલીવુડના જાણીતા ઈવેન્‍ટ એરેન્‍જર ભારતીબેન નાયક દિવ્‍ય કુમારનું સ્‍વાગત કરી રહેલા નજરે પડે છે. તેમની સાથેના પારિવારીક નાતે તેઓ અકિલાની મુલાકાતે આવ્‍યા હતા. (તસ્‍વીરઃ- સંદીપ બગથરીયા)
હું ફરી આવતા વર્ષે અહીં દાંડિયા માટે આવીશઃ દિવ્‍ય કુમાર
મોરબીમાં નવરાત્રિમાં પ્રોગ્રામ આપવા આવેલા દિવ્‍ય કુમારજીએ જણાવ્‍યું હતું કે, મોરબીના આંગણે નવરાત્રિમાં ખૂબ જ જમાવટ થઈ હું પહેલા આણંદજીભાઈ અને તેમના દીકરા સાથે દાંડિયાના કાર્યક્રમો કરતો હતો. આ વખતે મોરબીમાં પહેલીવાર મેં પરફોર્મ કર્યું જયાં ખૂબ જ મજા આવી. એકદમ સરસ અને પદ્ધતિસરનું આયોજન હતું. ખૂબ જ સારૂં ઓડિયન્‍સ હતું, ખૂબ જ સારા સાજીંદાઓ પણ હતા અને અન્‍ય ગાયકો પણ ખૂબ સારા હતા. ખૂબ જ સારો અનુભવ રહ્યો અને મને આશા છે કે હું ફરી આવતા વર્ષે અહીં દાંડિયા માટે આવીશ.

સૌથી વધુ લાઇવ શો ગુજરાતમાં કર્યા..!
અકિલાના મહેમાન બનેલા ખૂબ જ જાણીતા ગાયક દિવ્‍ય કુમારજી કહે છે કે, પ્‍લેબેક સીંગીંગ શરૂ કર્યું તે પહેલા મેં ખૂબ જ કાર્યક્રમો કર્યા હતા. એ પછી વચ્‍ચે થોડો ગેપ આવ્‍યો હતો ત્‍યારે કોરોના આવતા તે વધુ લંબાયો હતો. જોકે મને ગુજરાતમાંથી ખૂબ જ વધુ લોકોનો પ્રેમ મળ્‍યો છે. કેટલાંક ગીતો મેં ગુજરાતી ફિલ્‍મોમાં પણ ગાયા છે જેને કારણે પણ લોકો મને પસંદ કરે છે. તેમાંય મારા સૌથી વધારે શો ગુજરાતમાં યોજાય છે. ખાસ કરીને અમદાવાદમાં મેં ખૂબ શો કર્યા છે. એ ઉપરાંત ગુજરાતના ઘણા બધા શહેરોમાં પણ મેં શો કર્યા છે.

 

(10:44 am IST)