Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કુવાડવામાં ટેણીયાને છરી બતાવી ૫૨ હજારના ઘેટા-બકરા લૂંટી લેવાયાઃ ચાર શખ્સની ધરપકડ

યુવરાજનગર પાસે રહેતાં ચાર શખ્સો લૂંટેલા ઘેટા-બેકરા વેંચે એ પહેલા પીઆઇ કે. એમ. ચોૈધરી અને ટીમે પકડ્યાઃ અજીતભાઇ, અરવિંદભાઇ, વિરદેવસિંહની બાતમી

રાજકોટ તા. ૭: કુવાડવા ગામમાં ૧૧ વર્ષનો ટાબરીયો ઘેટા બકરા ચરાવીને ઘર તરફ જતો હતો ત્યારે જયહિન્દ પેટ્રોલ પંપ સામેના ભાગે એક સ્કોર્પિયોમાં આવેલા ચાર શખ્સોએ ગાડી ઉભી રાખી આ ટાબરીયાને છરી બતાવી તેના હસ્તકના ૪ નર ઘેટા, ૨ બકરી અને ૩ બકરા મળી રૃા. ૫૨ હજારના ઘેટા બકરા સ્કોર્પિયોમાં નાંખી લૂંટ ચલાવી ભાગી ગયા હતાં. આ ગુનો કુવાડવા પોલીસે ઉકેલી આજીડેમ ચોકડી પાસે યુવરાજનગર સામે ઝૂપડામાં રહેતાં ચાર સરાણીયા શખ્સોને પકડી લઇ ગાડી, ઘેટા બકરા મળી રૃા. ૩,૫૨,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કુવાડવામાં રહેતાં રાજેશભાઇ ઉર્ફ રાજુભાઇ દાજીભાઇ સાડમીયા (દેવીપૂજક)નો પુત્ર મેહુલ (ઉ.૧૧) તા. ૬ના રોજ ઘેટા બકરા ચરાવીને ઘર તરફ જતો હતો ત્યારે સ્કોર્પિયોમાં આવેલા શખ્સો તેને છરી બતાવી ડરાવી ધમકાવી ઘેટા બકરા લૂંટીને ભાગી ગયા હતાં. દરમિયાન કુવાડવા પીએસઆઇ કે. કે. પરમાર, હેડકોન્સ. અજીતભાઇ લોખીલ, અરવિંદભાઇ મકવાણા, વિરદેવસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી ગવરીદળ આઇઓસી પ્લાન્ટ સામેથી જીજે૦૩સીએ-૭૯૨૫ નંબરની સ્કોર્પિયો આંતરી લેવાતાં અંદરથી લૂંટાયેલા ઘેટા-બકરા મળી આવતાં ચાર શખ્સો મહિપત ભુદરભાઇ ચોૈહાણ (ઉ.૨૨), અલ્પેશ જેસીંગભાઇ ચોૈહાણ (ઉ.૨૦), આકાશ જેસીંગભાઇ ચોૈહાણ (ઉ.૧૯) અને શાયર મુન્નાભાઇ પરમાર (ઉ.૨૮) (રહે. બધા યુવરાજનગર સામે ઝુપડામાં)ને પકડી લઇ  સ્કોર્પિયો, ઘેટા, બકરી, બકરા કબ્જે લીધા હતાં. આ શખ્સોનો ઇરાદો લૂંટેલા ઘેટા બકરા વેંચીને રોકડી કરવાનો હતો. પણ એ પહેલા પકડાઇ ગયા હતાં.

કુવાડવા પીઆઇ કે. એમ. ચોૈધરી, પીએસઆઇ કે. કે. પરમાર, અજીતભાઇ, અરવિંદભાઇ, વિક્રમભાઇ ગરચર, દેવેન્દ્રસિંહ, વિરદેવસિંહ, રોહિતદાન, રાજશેભાઇ, મુકેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(11:39 am IST)