Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજકોટની ભાગોળે પારડીમાં સંજય ડાભીની મિત્રએ હત્‍યા કરી

પાનની દુકાને થયેલ ડખ્‍ખાનો ખાર રાખી મિત્ર ગૌરવ કુમાર મહંતોએ સંજયને પોતાની ઓરડીએ બોલાવી બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધોઃ ગૌરવ પોલીસના સકંજામાં

તસ્‍વીરમાં હત્‍યાનો ભોગ બનનાર સંજય ડાભીનો મૃતદેહ અને બાજુની તસ્‍વીરમાં મૃતક સંજયની ફાઇલ તસ્‍વીર. (તસ્‍વીરઃ કમલેશ વાછાણી-શાપર-વેરાવળ, સંદીપ બગથરીયા-રાજકોટ)

રાજકોટ, તા., ૭: રાજકોટની ભાગોળે આવેલ ગોંડલ હાઇવે ઉપર આવેલ પારડી ગામમાં દલીત યુવાનની તેના મિત્રએ જ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્‍યા કરી નાખી હતી. બનાવ બાદ નાસી છુટેલ આરોપીને પોલીસે દબોચી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકની હદમાં આવતા પારડી ગામે શીતળા મંદીર પાછળ ૫૫૫ ચોક પાસે ઓરડીમાં સંજય કાનજીભાઇ ડાભી (ઉ.વ.ર૬, રહે. એચસી પારડી) ઉપર તેના મિત્ર ગૌરવ કુમાર મહંતોએ બોથડ પદાર્થનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દઇ નાસી છુટયો હતો. બનાવની જાણ થતા શાપર વેરાવળના પીએસઆઇ એસ.જે.રાણા સહીતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ માટે રાજકોટ સરકારી હોસપીટલમાં ખસેડી હતી.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનનાર સંજય કાનજીભાઇ ડાભી પારડીમાં રહે છે અને છુટક મજુરી કામ કરે છે. ગઇકાલે સાંજે તેના મિત્ર ગૌરવ મહંતો અને સંજય વચ્‍ચે ડિલકસ પાનની દુકાને ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખી આરોપી ગૌરવ મહંતોએ મિત્ર સંજયને પોતાની ઓરડીએ બોલાવી બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દઇ નાસી છુટયો હતો. મૃતક સંજય ૩ ભાઇઓમાં વચેટ છે. અને અપરણીત છે. તેના માતા-પિતા સાથે પારડીમાં   રાહુલ પાર્કમાં રહેતો હતો.

આ હત્‍યાના બનાવ અંગે મૃતક સંજયના ભાઇ રાહુલ ડાભીએ ગૌરવ કુમાર મહંતો સામે ફરીયાદ નોંધાવતા શાપર-વેરાવળ પોલીસ હત્‍યાનો ગુન્‍હો દાખલ કર્યો હતો. દરમિયાન મિત્રની હત્‍યા કરી નાસી છુટેલ ગૌરવ કુમાર મહંતોને શાપર-વેરાવળના પીએસઆઇ એસ.જે.રાણા તથા ટીમે દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે. 

(11:41 am IST)