Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજકોટ શહેર - જિલ્લામાં ચાલુ માસથી રેશનીંગનું કેરોસીન બંધ

ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં મચી ગયેલો દેકારો : તમામ તાલુકાએ કેરોસીન નથી જોઇતુ તેમ જણાવી દેતા ગાંધીનગરથી જથ્‍થો બંધ કરી દેવાયોઃ ભાવ આસમાને વટાવી ગયા બાદ કોઇ લેવાલ નથી : ગયા મહિને ૬૫ KL કેરોસીન આવેલ : તેમાં સરપ્‍લસ રહેતા જથ્‍થો પરત મોકલાયો : દિવાળીના તહેવારોમાં આ મહિને રાહતદરે સીંગતેલ અને ૧ કિલો ખાંડ વધારાની અપાશે

રાજકોટ તા. ૭ : પેટ્રોલ - ડિઝલ બાદ છેલ્લા ૨ મહિનાથી કેરોસીનના ભાવો પણ આસમાને વટાવી ગયા છે, બે મહિનાથી રેશનીંગના કેરોસીનના ભાવ પેટ્રોલ - ડીઝલ કરતા પણ વધુ ૧૦૧ થી ૧૦૩ના લીટરના થઇ જતા હજારો ગરીબ કાર્ડ હોલ્‍ડરો સિસકારા નાંખી ગયા હતા, તેમાં હવે ઉપાડ સાવ ઓછો થઇ જતા અને ગયા મહિને રાજકોટ જિલ્લા પૂરવઠા તંત્રને શહેર - જિલ્લાનો જે ૬૫ હજાર કિલોલીટર જથ્‍થો ફાળવાયો હતો, તેમાં પણ જથ્‍થો સરપ્‍લસ રહેતા આ જથ્‍થો ઓઇલ કંપનીઓને પરત મોકલાવી આ મહિનાથી રાજકોટ શહેર - જિલ્લામાં ચાલુ માસથી રેશનીંગનું કેરોસીન જ ગાંધીનગરના પુરવઠા તંત્રે બંધ કરી દેતા ભારે દેકારો મચી ગયો છે, રાજકોટ જિલ્લામાં બીપીએલ - અત્‍યોંદય મળીને કુલ ૩૫ થી ૪૦ હજાર કાર્ડ હોલ્‍ડરોને માટે કેરોસીન ફાળવાતુ પરંતુ આમા પણ કોઇ કેરોસીન લેવા આવતુ ન હોય અને પૂરવઠાની દરેક તાલુકાની ઝોનલ કચેરીએ અમારે કેરોસીન નથી જોઇતુ તેવું જણાવી દેતા આખરે ઓકટોબર માસથી રાજકોટ શહેર - જિલ્લાની ફાળવણી જ ગાંધીનગર પૂરવઠા તંત્રે બંધ કરી દીધાનું રાજકોટ કલેકટર કચેરી અને પુરવઠા કચેરીના ટોચના અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું. તેમણે જણાવેલ કે, ફાળવણી આવી જ નથી... ભાવો પણ આવ્‍યા નથી, રાજકોટને કંડલા - ગાંધીધામ અને વડોદરાથી કેરોસીનની ફાળવણી થતી હતી, હવે ગરીબો દર મહિને ૪૦૦ થી ૫૦૦ લીટર કેરોસીન કયાંથી લેવા જાય, કોઇ લેવા આવતુ નથી, પરિણામે ચાલુ માસથી કેરોસીન બંધ કરાયું છે.
 દરમિયાન દિપાવલીના તહેવારો સંદર્ભે બીપીએલ - અત્‍યોંદય કાર્ડ હોલ્‍ડરોને રાહતદરે સીંગતેલ અને વધારાની ૧ કિલો ખાંડનો જથ્‍થો આપવાની સૂચના આવી છે.
સાધનોએ જણાવેલ કે, સીંગતેલ ૧૦૦ રૂપિયા લેખે એક લીટર અપાશે, જ્‍યારે ખાંડ બીપીએલ કાર્ડ હોલ્‍ડરોને કિલોના ૨૨ લેખે તો અત્‍યોંદય કાર્ડ હોલ્‍ડરોને ૧ કિલોના રૂા. ૧૫ લેખે ખાંડનું વિતરણ આ મહિનામાં થશે.

 

(3:29 pm IST)