Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રવી ટાવરના ફલેટમાં કારખાનેદાર રાકેશભાઇ હિંગાણીનો ગળા ફાંસો ખાઇ આપઘાત

પત્‍નિ સવારે ઉઠીને દરવાજો ખોલતા પતિને લટકતા જોઇ દેકારો મચાવ્‍યોઃ કારખાનેદારે આર્થિક સંકડામણના લીધે પગલુ ભર્યાની શંકા

રાજકોટ, તા.૭: કાલાવડ રોડ પર આત્‍મીય કોલેજની સામે આવેલા રવી ટાવર એપાર્ટમેન્‍ટના ફલેટમાં કારખાનેદારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આત્‍મીય કોલેજની સામે આવેલા રવી ટાવર એપાર્ટમેન્‍ટમાં ફલેટ નં.૯૦૩માં રહેતા રાકેશભાઇ રમણીકભાઇ હિંગાણી (ઉ.વ.૫૦) એ વહેલી સવારે પોતાના બેડરૂમમાં પંખા સાથે પાતળી શાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્‍નિ તેને ઉઠાવવા જતા દરવાજો બંધ હોઇ તેણે દરવાજો ખખડાવતા રાકેશભાઇએ દરવાજો ન ખોલતા પત્‍નિએ ધક્કો મારી દરવાજો ખોલતા પતિને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પરિવારજનો તથા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા રાકેશભાઇનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ વિજયભાઇ બાલસા તથા રાઇટર અનુજભાઇએ તાકીદે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાકેશભાઇ મેટોડા જી.આઇ.ડી.સીમાં પ્‍લાસ્‍ટીકનું કારખાનુ ધરાવતા હતા તે બે ભાઇમાં નાના હતા. તેણે આર્થિક સંકળામણના લીધે પગલુ ભર્યાની પોલીસે શંકા વ્‍યકત કરી છે અને ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)