Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

૧૧મીએ ૫૦૦ ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે પોલીસ હેડકવાર્ટરમાં ભરતી મેળો

ધોરણ-૯ પાસ હોય તેવા ૧૮ થી ૩૫ વર્ષના મહિલા-પુરૃષ ઉમેદવારો જોડાઇ શકે

રાજકોટ તા. ૮ઃ આગામી મંગળવારે ૧૧મીએ સવારે ૭ઃ૦૦ કલાકે શહેરના રેસકોર્ષ રીંગ રોડ પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડ ખાતે શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડની સ્વયંસેવક તરીકે ભરતી  કરવાની હોઇ તે માટે પસંદગી મેળો યોજવામાં આવ્યો છે. શહેર પોલીસને ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૃપ થઇ શકે તેવા ૫૦૦ મહિલા-પુરૃષ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાએ જણાવ્યા મુજબ ટ્રાફિક બ્રિગેડનું સ્ટ્રેન્થ હલમાં વધેલી ટ્રાફિક સમસ્યાને જોતાં વધારવું પડે તેમ છે. આ કારણે ભરતી પ્રકિયા યોજવામાં આવી છે. જેમાં ધોરણ-૯ પાસ હોય તેવા ૧૮ થી ૩૫ વર્ષના કોઇપણ મહિલા-પુરૃષ જોડાઇ શકે છે. પુરૃષ ઉમેદવારની ઉંચાઇ ૫ ફુટ ૬ ઇંચ અને મહિલા ઉમેદવારની ઉંચાઇ ૫ ફુટ ૨ ઇંચ હોવી જરૃરી છે. શારીરિક રીતે સક્ષમ હોય તેમજ તેના વિરૃધ્ધ કોઇપણ ગુના નોંધાયા ન હોય તેવા ઉમેદવારો સામેલ થઇ શકશે.

જોડાવા ઇચ્છુકોએ અસલ પ્રમાણપત્રો, રહેણાંકનો પુરાવો (રાશન કાર્ડ, ટેલિફોન બીલ, લાઇટ બીલ અથવા ચૂંટણી કાર્ડ), બે ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે. જેની પસંદગી થશે તેના ફોર્મ ગ્રાઉન્ડ ખાતે જ ભરવામાં આવશે. ભૂતકાળમાં છુટા કરાયેલા બ્રિગેડ ભરતીમાં સામેલ થઇ શકશે નહિ.

(2:36 pm IST)