Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગોંડલ રોડ ચોકડીએ યુવાનની લાશ મળીઃહત્‍યા?

શુક્રવારે માલધારી ફાટક શિવ હોટેલ સામે રવેચનગર પાસેથી આશરે ૩૫ વર્ષના પરપ્રાંતિય યુવાનની લાશ મળી હતીઃ પીઠ-વાંસામાં ઇજાના નિશાન હતાં: ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમમાં મુંઢ મારનું તારણ નીકળ્‍યું: ગુનો નોંધવા તજવીજઃ આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : છાતીમાં ડાબી બાજુ અંગ્રેજીમાં ‘બી.વી.' ત્રોફાવેલું: કાળુ પેન્‍ટ-કાળો શર્ટ પહેર્યા છેઃ ઓળખ મેળવવા આજીડેમ પોલીસની તપાસ

રાજકોટ તા. ૮: શહેરની ગોંડલ રોડ ચોકડીથી આગળ શિવ હોટેલ નજીકથી ગઇકાલે અજાણ્‍યા આશરે ૩૫ વર્ષના યુવાનની લાશ મળી આવતાં ચર્ચા જાગી છે. મૃત્‍યુ પામનારને પીઠ-વાંસાના ભાગે છોલાણ જેવી અને મુંઢ ઇજાના નિશાન હોઇ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવ્‍યું હતું. જેમાં મુંઢ ઇજાનો રિપોર્ટ આવતાં આ બનાવ હત્‍યાનો હોવાની દ્રઢ શંકા ઉદ્દભવતાં પોલીસે હાલ તુર્ત મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. તપાસ બાદ સાંજ સુધીમાં હત્‍યાનો ગુનો દાખલ થયાની શક્‍યતા જણાઇ રહી છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ  ગોંડલ રોડ ચોકડીથી આગળ માલધારી ફાટક શિવ હોટેલ રવેચીનગર સામેના ભાગે એક અજાણ્‍યા યુવાનની લાશ પડી હોવાની જાણ જાગૃત નાગરિકે કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્‍સ. મહેન્‍દ્રભાઇ પરમાર  સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પંચનામા બાદ પોસ્‍ટ મોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો.
મૃતક યુવાનની ઉમર આશરે ૩૫ વર્ષ જેટલી જણાય છે. તેણે કાળુ પેન્‍ટ અને કાળો શર્ટ પહેર્યો છે. પરપ્રાંતિય જેવો લાગે છે. છાતી પર ડાબી બાજુએ અંગ્રેજીમાં ‘બી.વી.' ત્રોફાવેલું છે. આ સિવાય ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી.   મૃતકની પીઠ અને વાંસામાં ચાંભા જેવી ઇજાના નિશાન છે. આ ઇજાઓ ઢસડાવાથી થઇ છે કે બીજી કોઇ રીતે? તે જાણવા મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવાયું હતું.
દરમિયાન મૃતકના શરીર પર જે ઇજાઓ છે તે મુંઢ મારની હોઇ શકે છે તેવો પ્રાથમિક અભિપ્રાય ફોરેન્‍સિક નિષ્‍ણાંતોની ટીમે આપતાં બનાવ હત્‍યાનો હોવાન દ્રઢ શક્‍યતા જણાઇ આવી છે. જો કે હત્‍યાનો ગુનો દાખલ થાય એ પહેલા પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને જો હત્‍યા થઇ તો ક્‍યાં થઇ? કોણે અને શા માટે કરી? એ સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એસીપી એચ. એલ. રાઠોડની રાહબરમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. ડી. વાળા, એએસઆઇ વાય. ડી. ભગત, શૈલેષભાઇ નેચડા, કુલદિપસિંહ જાડેજા, જાવેદભાઇ રિઝવી સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


 

(3:18 pm IST)