Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

છેલ્લા ૧૫ દિવસમાં ખાનગી શાળાઓએ વાલી પાસેથી ૨૫ ટકા ફી અંકે કરી લીધી !

ખાનગી શાળાના સંચાલકોનો વિદ્યાર્થીના શિક્ષણ-આરોગ્‍યને બદલે ‘ફી' પ્રેમ બહાર આવ્‍યાની ચર્ચા : આખરે ધો. ૧ થી ૯નું પ્રત્‍યક્ષ શિક્ષણ બંધઃ વાલીઓની ચિંતાથી છૂટકારો

રાજકોટ, તા. ૮ :. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્‍યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યુ છે. આ વર્ષે શાળાઓના બાળકો મોટી સંખ્‍યામાં ઝપટે ચડયા છે. વાલી વર્ગ શાળાઓમાં પ્રત્‍યક્ષ શિક્ષણથી ખૂબ ચિંતિત હતા. શાળામાં પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ પાસે કોરોનાનું ગાઈડલાઈનનું પાલન કરાવવુ ખૂબ કઠીન છે ત્‍યારે ગઈકાલે રાજ્‍ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ધો. ૧ થી ૯નું પ્રત્‍યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્‍યુ છે અને હવે ૩૧ જાન્‍યુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
રાજકોટની ખાનગી શાળાઓના સંચાલકોને બાળકોના શિક્ષણ અને આરોગ્‍યને બદલે ફી અંકે કરવામાં ખૂબ કાર્યરત હોવાની ફરીયાદ ઉઠી છે. રાજકોટની કેટલીક ખાનગી શાળાએ શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ થાય તે પહેલા જ ‘ફી' ઉઘરાવવાની ઝપટ કરી હતી.  ખાનગી શાળાના સંચાલકોના વર્તુળોમાંથી થતી ચર્ચા મુજબ ખાનગી શાળામાં છેલ્લા ૧૫ દિવસમાં ૨૫ ટકાથી વધુ છાત્રો પાસેથી ‘ફી' ઉઘરાવીને ‘રોકડી' કરવામાં આવી છે. શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવા છતા શાળા ચાલુ જ રાખી હતી. ખાનગી શાળાઓમાં સંચાલકોએ જાણે ‘તક'નો લાભ લીધો હોય તેમ વિદ્યાર્થીના આરોગ્‍યના જોખમે શાળા ચાલુ રાખી હતી. ખાનગી શાળામાં નાના ઓરડામાં નિયત સંખ્‍યા કરતા વધુ છાત્રો બેસાડીને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્‍યુ હતું.

 

(3:18 pm IST)