Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ધજાળાના કૃણાલ અને પ્રશાંત વિરૂધ્‍ધ આર્મ્‍સ એક્‍ટ અને હત્‍યાની કોશિષની કલમોનો ઉમેરો

એરપોર્ટ પીએસઆઇની ફરજમાં રૂકાવટ કરનારાએ એમએલએના ભત્રીજા તરીકે ઓળખ આપી સીન કર્યા'તા : એન્‍ડેવર કાર, રિવોલ્‍વર અને જીવતો કાર્ટીસ કબ્‍જે

રાજકોટ તા. ૮: એરપોર્ટ પોલીસ મથકના પીએઅસાઇ આર. એન. સાંકળીયા અને બીજો સ્‍ટાફ ગત ૩૦ ડિસેમ્‍બરે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્‍ટ પર વાહન ચેકીંગમાં હતો ત્‍યારે કાળા કાચવાળી અને સુશોભીત નંબર પ્‍લેટવાળી  એમએલએ-ગુજરાત લખેલી કાર લઇને નીકળેલા બે શખ્‍સોને અટકાવી તેને કાળા કાચ અને સુશોભીત નંબરનો દંડ ભરવાનું કહેતાં બંને પીએસઆઇ સાથે ઝઘડો કરી આ એમએલએની ગાડી છે, રોકવાની ન હોય તેમ કહી ફરજમાં રૂકાવટ કરી પીએસઆઇને જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્‍વર બતાવી ભાગી ગયા હતાં. આ બનાવમાં ગઇકાલે ગુનો દાખલ થયા બાદ સાયલાના ધજાળાના બે શખ્‍સો કૃણાલ સંજયભાઇ મકવાણા (કોળી) અને તેના ભાઇ પ્રશાંત સંજયભાઇ મકવાણા (કોળી)ની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ બનાવમાં અગાઉ માફામાફી બાદ સમાધાન કરી લેવાયાની અને ફરિયાદ નહિ નોંધાયાની વિગતો સોશિયલ મિડીયામાં ફરતી થઇ હતી. દરમિયાન આ બનાવમાં આઇપીસી ૩૦૭, ૧૮૬, ૧૧૪, આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫ (૧) (એ) (બી) મુજબ ગુનો દાખલ કરી તપાસ કરી બે આરોપી સગા ભાઇઓ ધજાળા ગામના કૃણાલ અને પ્રશાંતને પકડી લઇ તેની પાસેથી એન્‍ડેવર કાર જીજે૦૧ડબલ્‍યુએ-૦૦૦૧ રૂા. ૧૦ લાખની તથા એક રિવોલ્‍વર અને જીવતો કાર્ટીસ કબ્‍જે કરાયા છે. આ બંને ધારાસભ્‍યના દૂરના સગા થતાં હોઇ ધારાસભ્‍ય પોતાના કાકા છે એવો રોફ જમાવી કારમાં એમએલએ-ગુજરાતનું પાટીયુ મારીને કાર ફેરવતા હતાં.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ આર. એન. સાંકળીયા, હેડકોન્‍સ. કે. એમ. વાજા, કોન્‍સ. રામભાઇ વાંક, મહાવીરસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા અને વિપુલભાઇ ગોહેલે આ કામગીરી કરી હતી.

 

(3:28 pm IST)