Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પિસ્તોલ- બે કાર્ટીસ સાથે વિજયપ્લોટનો હાર્દિક ઉર્ફ ઘોડો પકડાયા બાદ સપ્લાયર ગુડ્ડનખાનને પણ તમંચા-કાર્ટીસ સાથે ઝડપી લેવાયો

હાર્દિકને મનહરપ્લોટમાથી રવિવારે રાતે પકડી લેવાયો'તોઃ દસ હજારમાં લઇ વધુ ભાવે વેંચી નફો રળવો હતોઃ હથીયાર-કાર્ટીસ વેંચનાર કોઠારીયા સોલવન્ટમાં રહેતાં મુળ ઝાંસીના બબલુ ઉર્ફ ગુડ્ડનખાનને ક્રિષ્નાપાર્ક ચોકડીએથી આજે સવારે ઉઠાવી લેવાયો : એસીપી ક્રાઇમ ટીમના એએસઆઇ આર. કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાની બાતમી પરથી ૧૨ કલાકમાં બે હથીયાર-ચાર કાર્ટીસ પકડાયા : બબલુ વતનમાંથી બે હથીયાર વેંચવા લાવ્યો'તોઃ એક હાર્દિકને વેંચેલુ, બીજુ વેંચે એ પહેલા દબોચી લેવાયો

રાજકોટ તા. ૮: શહેર એસીપી ક્રાઇમ ટીમે મનહરપ્લોટ ૭ પાસેથીહાર્દીક ઉર્ફે ઘોડો પ્રવીણભાઇ સોલંકી (ઉ.વ.૨૦ -રહે. ગોંડલ રોડ મીસ્ત્રી ગેરેજ સામે, વિજય પ્લોટ શેરી નં.૯)ને ગેરકાયદેસર પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે દબોચી લીધો હતો. હથીયાર વેંચવા માટે આ શખ્સ ગ્રાહક શોધી રહ્યો હતો ત્યાં એએસઆઇ આર. કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાને બાતમી મળી જતાં તેને પકડી લીધો હતો. હથીયાર અને કાર્ટીસ વેંચનારા હાલ કોઠારીયા સોલવન્ટ નુરાનીપરામાં રહેતાં મુળ યુપી ઝાંસીના બબલુ ઉર્ફ ગુડ્ડનખાન હબીબખાન પઠાણને આજે સવારે ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક ચોકડીએથી દબોચી લેવાયો છે. તેની પાસેથી વધુ એક સિંગલ બેરલનો તમંચો તથા બે કાર્ટીસ મળ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણી અંતર્ગત કડક પેટ્રોલીંગ કરવા અને ગુનેગારોને શોધી કાઢવાની સુચના મળી હોઇ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં ટીમના એએસઆઇ આર.કે. જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ રબારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. સુધીરસિંહ જાડેજા સહિતના પેટ્રોલીંગમાં હતા ત્યારે  આર. કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે વિજય પ્લોટમાં રહેતો હાર્દિક ઉર્ફ ઘોડો મનહરપ્લોટમાં આટાફેરા કરે છે અને તેની પાસે ગેરકાયદે હથીયાર છે. બાતમીને આધારે તેને સકંજામાં લઇ તલાસી લેતાં રૂ. ૨૦૨૦૦ના પિસ્તોલ-કાર્ટીસ મળતાં  કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછતાછમાં પોતે પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતો હોવાનું અને નુરાનીપરાના બબલુ નામના શખ્સ પાસેથી દસ હજારમાં ખરીદી વધુ ભાવે વેંચી નફો રળવા પ્લાન ઘડ્યાનું કબુલ્યું હતું. એસીપી ક્રાઇમ ટીમે સવારે સપ્લાયરને પણ સકંજામાં લેવા તજવીજ કરી હતી. દરમિયાન આજે સવારે ફરીથી મળેલી બાતમીને આધારે સપ્લાયર કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા પાસે  રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ યુપી ઝાંસીના બબલુ ઉર્ફ ગુડ્ડનખાન હબીબખાન પઠાણ (ઉ.૩૫)ને ક્રિષ્નાપાર્ક ચોકડીએથી સકંજામાંલઇ લેવાયો હતો. આ વખતે તેની પાસેથી બીજો એક દેશી તમંચો અને બે કાર્ટીસ મળ્યા હતાં. બબલુએ પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે વતનમાંથી બે હથીયાર વેંચવા લાવ્યો હતો. જેમાંથી એક હાર્દિક ઉર્ફ ઘોડાને વેંચ્યું હતું. બીજો તમંચો વેંચવાનો બાકી હતો. પોતે અને હાર્દિક નુરાની પરા પાસે શિવ હોટલે અવાર-નવાર ભેગા થતાં હોઇ ઓળખ થતાં હાર્દિકે વાત વાતમાં હથીયાર વેંચાતું લેવાની વાત કરી હોઇ તેને આપ્યાનું રટણ કર્યુ હતું. જો કે સાચી વિગતો રિમાન્ડ બાદ બહાર આવશે.

 પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા  તથા એ.સી.પી.ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં આ કાર્યવાહી થઇ હતી.

ઘોડા ફેરવવાનો શોખ હોવાથી ઉપનામ 'ઘોડો' પડ્યું

પોલીસે હાર્દિકનું ઉપનામ ઘોડો શા માટે પડ્યું? તે અંગે પુછતાછ કરતાં એવું જાણવા મળ્યું હતું કે તેને ઘોડા ફેરવવાનો ખુબ શોખ હોઇ જેથી તેને ઉર્ફ ઘોડાના નામથી બધા બોલાવે છે.

(3:33 pm IST)