Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વોર્ડ નં. ૧ના કોંગી ઉમેદવારનું ફોર્મ રદ થવા પાછળ શાસકોની મેલી મુરાદ : ઇન્દ્રનિલ

મેન્ડેટ સમયસર આપી દીધા છે છતાં ખોટા વાંધાઓ ઉભા કરી અપપ્રચાર થઇ રહ્યા છે

રાજકોટ, તા. ,૮ :  આજે મ.ન.પા.ની ચૂંટણીનાં ઉમેદવારોની ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નં.૧ના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ શિયાળનું ફોર્મ રદ કરવા પાછળ શાસકોની મેલી મુરાદ હોવાનો આક્ષેપ કોંગ્રેસનાં ધુરંધર નેતા ઇન્દ્રનિલ રાજયગુરૂએ કર્યો હતો.

આ અંગે શ્રી રાજયગુરૂએ પત્રકારો સમક્ષ નિવેદન કર્યુ હતું કે ''વોર્ડ નં. ૧ના ઉમેદવાર ભરતભાઇ શિયાળ સહિત તમામ ઉમેદવારોનાં મેન્ડેટ  તા. ૬નાં રોજ સમયસર આપી દેવાયા હતા અને તેનો સ્વીકાર કર્યાની પહોંચ પણ ચુંટણી અધિકારીએ આપેલ હતી. મેન્ડેટનાં મુદ્દે ખોટી ધમાલ શાસકો મચાવી રહયા છે.

શ્રી રાજયગુરૂએ આ તકે આક્ષેપો કર્યા હતા કે મેન્ડેટમાં બે સહીની બાબતના વાંધાઓ ઉડાવી દેવાયા છે અને વોર્ડ નં. ર,૩,૧૬,૧પ, ૧૩ વગેરેના પેન્ડીંગ ફોર્મ માન્ય રાખી દેવાયા છે.

શ્રી રાજયગુરૂએ આ તકે સ્પષ્ટતા પણ કરેલ. ભરતભાઇ આહીરનાં ફોર્મની ક્ષતી સુધારવા માટે ચુંટણી અધિકારી સમક્ષ વોર્ડ નં. ૧ નાં ઉમેદવારે અરજી પણ કરી હતી. પરંતુ તે ચુંટણી અધિકારીએ નહી સ્વીકારતા આ ફોર્મ રદ થયું હતું. આમ આની પાછળ શાસકોની મેલી મુરાદ છતી થઇ છે.

(4:41 pm IST)