Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વોટર હિટર 'કાળ' બન્યું: અનિતાબેનનું મોતઃ બે માસુમ સંતાન મા વિહોણા થયા

નાના મવા રોડ અર્જુન પાર્ક આરએમસી કવાર્ટરમાં બનાવઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૮: કાળ કયારે કયાંથી અને કેવી રીતે ટપકી પડે તેની ખબર પડતી નથી. નાના મવા રોડ પર અર્જુન પાર્ક પાસેના આરએમસી કવાર્ટર બી-૧૦માં રહેતાં અનિતાબેન ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) માટે વોટર હિટર કાળ બન્યું હતું.

અનિતાબેન રવિવારે સાંજે પાંચેક વાગ્યે વાસણ સાફ કરી રહ્યા હતાં અને બાજુમાં ડોલમાં પાણી ભરી તેમાં હિટર મુકી ચાલુ કર્યુ હતું. એ દરમિયાન વોટર હિટરમાં કરંટ ચાલુ થઇ જતાં વાસણ માંજવાના છકીયામાં કરંટ આવી જતાં અનિતાબેન તેમાં વાસણ મુકવા ગયા ત્યારે જોરદાર ઝાટકો લાગતાં બેભાન થઇ ઢળી પડ્યા હતાં. તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ  મથકના પીએઅસાઇ વી. એન. મોરવાડીયાએ એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ ભરતભાઇ રાજાભાઇ રાઠોડ કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં બે વર્ષનો પુત્ર અને પાંચ વર્ષની પુત્રી છે. જે મા વિહોણા થઇ જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:48 am IST)