Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સીસોદીયાનો રાજકોટમાં રોડ શો

કોંગ્રેસે વિશ્વસનિયતા ગુમાવી દીધી, ભાજપથી લોકો કંટાળી ગયા

શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રાજકોટમાં પણ દિલ્હીનું મોડલ અપનાવાશેઃ હાલ ભાજપ-આપ બે જ પક્ષ છે, ત્રીજો પક્ષ કોંગ્રેસ છે

રાજકોટઃ તા.૮, ચૂંટણી પ્રચારના ઢોલ નગારા શરુ થઇ ગયા છે. ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપીના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. દરમિયાન 'આપ'ના દિગ્ગજનેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સીસોદીયા ગઇકાલે રાજકોટમાં હતા. તેઓનો ૨૦ કિ.મી. રૂટ લાંબો ભવ્ય રોડ-શો યોજાયો હતો.

આ તકે મનિષ સીસોદીયાએ  વિપક્ષો ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે પ્રજાએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ ગુમાવી દીધો છે. જયારે ભાજપથી લોકો કંટાળી ગયા છે.

હાલ ભાજપ અને આપ એ બે જ પક્ષ છે જયારે કોંગ્રેસ ત્રીજો પક્ષ બની ગયો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં પણ દિલ્હીનું મોડલ અનુસરવામાં આવશે. ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ભાજપનું રાજ ચાલી રહયું છે.

દરમિયાન મનિષ સીસોદીયાની ૨૦ કી.મી. લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો જોડાયા હતા. ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ થયેલ આ રોડ શો મવડી, આનંદ બંગલા ચોક થઇ વિવિધ માર્ગો ઉપર ફરી રેસકોર્ષ ચોક ખાતે સમાપન થઇ હતી. અનેક કાર, ટુ-વ્હીલરો સાથે કાર્યકરો જોડાયા હતા.

જો કે આ રોડ શોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળ્યો હતો. અનેક લોકો માસ્ક વગર જોવા મળતા હતા. ઉકત તસ્વીરોમાં લોકોનું અભિવાદન ઝીલતા મનિષ સીસોદીયા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:05 pm IST)