Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કર્ફયુ ભંગ કરી આખી રાત ડીજે વગાડનારા ૬ શખ્‍સોને રાત લોકઅપમાં વીતાવવી પડી

જામનગર રોડ એપલ પાર્ટી પ્‍લોટમાં સિમંત પ્રસંગમાં એક વખત પોલીસે ડીજે બંધ કરાવ્‍યું : પોલીસ રવાના થતાં ફરી વગાડયું

રાજકોટ તા. ૮ : જામનગર રોડ પર આવેલા એપલ પાર્ટી પ્‍લોટમાં આખી રાત ડીજેના તાલે ઉજવાતા સીમંતના પ્રસંગમાં યુનિવર્સિટી પોલીસે કર્ફયુ ભંગ કરનારા ૬ શખ્‍સોને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

મળતી વિગત મુજબ શહેરમાં હાલ રાત્રી કર્ફયુ લાગુ હોઇ, શનિવારે વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે, જામનગર રોડ પરના એપલ પાર્ટી પ્‍લોટમાં પ્રસંગ ચાલુ છે, જેની ખરાઇ કરવા માટે યુનિવર્સિટી પોલીસ મથકની બે પીસીઆર વાન મોકલવામાં આવી હતી. નાઇટ ડયુટીમાં રહેલા પીએસઆઇ એચ.જે.બરવાડીયા તથા લક્ષ્મણભાઇ સ્‍ટાફ સાથે સ્‍થળ પર પહોંચતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં છ શખ્‍સો પોલીસના હાથમાં આવી ગયા હતા. જેમાં મોચીબજાર પોસ્‍ટ ઓફિસવાળી શેરીના સમીર રજાકભાઇ મુરીમા, કાલાવડ રોડ ભવિષ્‍યનિધિ સોસાયટીના આમદ ઇબ્રાહીમભાઇ મુરીમા, મહંમદીબાગ શેરી નં. ૧૧ના ફીરોઝ સવરભાઇ મુરીયા, તાલાળાના ચિત્રાવડના અમીન જુમાભાઇ મકવાણા, મોચીબજાર પોસ્‍ટ ઓફિસવાળી શેરીના બાનુબેન નાથાભાઇ મજબુલ, તાલાળાના જાંબુર ગામના સોહીલ સૈયદભાઇ મજબુલને પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી અને વશીલા સાઉન્‍ડ લખેલા ચાર સ્‍પીકર, એમ્‍પ્‍લીફાયર, મીકસચર, ખુરશી, પાણીના જગ, બે લેપટોપ મળી કુલ રૂા. ૧.૩૯ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. એપલ પાર્ટી પ્‍લોટમાં સીમંતનો પ્રસંગ શનિવાર રાતથી ચાલુ હતો. પોલીસે એક વખત ડીજે બંધ કરાવ્‍યું હતું. પોલીસ રવાના થતા ફરી ચાલુ કરી દેતા સવાર સુધી ચાલુ રાખવામાં આવ્‍યો હતો. આ દરોડામાં પાર્ટી પ્‍લોટ, મંડપ સર્વિસ, સાઉન્‍ડ સર્વિસ અને કેટરર્સના સંચાલકોને પણ પકડી લેતા તમામે એક રાત લોકઅપમાં વીતાવી હતી.

(1:23 pm IST)