Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

બીસ સાલ બાદ...ઠગાઇના ગુનામાં સતત ફરાર અરવિંદને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો

મુળ ઓરિસ્સાનો શખ્સ વિરૂધ્ધ વીસ વર્ષ પહેલા એ-ડિવીઝનમાં રૂ.૯૬૦૩૩ની ઠગાઇનો ગુનો નોંધાયો હતોઃ પીએસઆઇ એમ. વી. રબારીની ટીમે અમદાવાદથી પકડી લીધો : સતત ફરાર રહેતો હોઇ ગેઝેટમાં નામ ચડતાં દેશભરની કોઇપણ પોલીસ તેને પકડી શકે : હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને કોન્સ. પુષ્પરાજસિંહની બાતમીઃ પોલીસ કમિશનરે ૧૫ હજારનું ઇનામ આપ્યું

રાજકોટ તા. ૮: પોલીસ છેલ્લા કેટલાક મહિનાઓથી જુના ગુનામાં સતત ભાગતાં ફરતાં હોય તેવા શખ્સોને ગમે ત્યાંથી શોધી રહી છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ. વી. રબારીની ટીમે ૨૦ વર્ષથી ઠગાઇના ગુનામાં ફરાર મુળ ઓરિસ્સાના હાલ અમદાવાદ અસલાલી રોડ પર આકૃતિ ટાઉનશીપમાં રહેતાં અરવિંદ નારાયણ સાહાનીને પકડી લીધો છે. આ કામગીરી કરવા બદલ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પીએસઆઇ રબારીની ટીમને ૧૫ હજારનો રોકડ પુરષ્કાર પણ આપ્યો છે.

શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૪૦૮ મુજબ રૂ. ૯૬૦૩૩ની ઠગાઇનો ગુનો વર્ષ ૨૦૦૦ની સાલમાં ફરિયાદી મહાદેવભાઇ રામભાઇ (રહે. ચેમ્બુર વેસ્ટ, મુંબઇ)એ નોંધાવ્યો હતો. તે વખતે અરવિંદ રાજકોટ ખાતેની કંપનીમાં એકાઉન્ટ મેનેજર હતો. નોકરી વખતે ૯૬૦૩૩ની ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ લઇ જઇ હિસાબ ન આપતાં ઠગાઇનો ગુનો નોંધાયો હતો. ત્યારથી એટલે કે વીસ વર્ષથી આ શખ્સ ફરાર હોઇ તેનું નામ ગેઝેટમાં પ્રસિધ્ધ કરાયું હતું. આ કારણે તેને દેશની કોઇપણ પોલીસ પકડી શકતી હતી.

દરમિયાન અરવિંદ હાલ અમદાવાદ હોવાની પાક્કી બાતમી ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ ઝાલા અને કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજાને મળતાં અમદાવાદથી તેને દબોચી લઇ એ-ડિવીઝનમાં સોંપાયો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. એમ. રબારી, એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, હરદેવસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ, સોકતખાન ખોરમ સહિતે તેને દબોચી લીધો હતો. તે અમદાવાદ, વાપી, ઓરિસ્સા એમ અલગ-અલગ શહેરો, રાજ્યોમાં ફરતો રહેતો હતો.

(3:32 pm IST)